ફતેપુરા તાલુકાના મોટા સલરામાં અંગત અદાવતે ગાયની હત્યા કરાઈ:ફતેપુરા પોલિસ મથકે ફરિયાદ કર્યા બાદ કોઈ કાર્યવાહી ન કરાતા ડી.એસ.પી સમક્ષ ફેક્સ દ્વારા રજૂઆત કરાઈ
ફતેપુરા તાલુકાના મોટા સલરામાં અંગત અદાવતે ગાયની હત્યા કરવામાં આવી હોવા બાબતના આક્ષેપ સાથે ડી.એસ.પી સમક્ષ ફેક્સ દ્વારા રજૂઆત,છ લોકોએ ગાયની હત્યા કરવામાં આવેલ હોવા બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા રજૂઆત કરવામાં આવી.
સુખસર,તા.૨૯
ફતેપુરા તાલુકામાં મોટા ભાગે પરિવાર-પરિવારના સભ્યો વચ્ચે અંગત અદાવતે અવાર-નવાર મારા- મારી જેવા બનાવો બનતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે.જેમાં ખાસ કરીને જર,જોરૂ અને જમીન મુખ્ય છે. તેવોજ બનાવ ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામે એક પરિવારના છોકરા- છોકરી ભાગી જતા જે વ્યક્તિને કોઈપણ જાતની લેવાદેવા ન હોય તેના ઘરે જઇ ગા( વાછરડી) ને ત્રણ પુરુષો તથા ત્રણ મહિલાઓ દ્વારા લાકડીઓના ફટકા મારી હત્યા કરતાં તેની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવા છતાં તેની કોઇ કાર્યવાહી નહીં કરાતા આજરોજ આ બાબતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ગાયના માલિક દ્વારા રજૂઆત કરી ગાયના હત્યારાઓની સામે કાયદેસર ગુનો દાખલ કરવામાં આવે તે બાબતે ફેક્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટાસલરા ગામે રહેતા વિનોદભાઈ કાળુભાઈ ડામોર ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી તેમજ પશુપાલન દ્વારા પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.જેઓને એક ગામના પરિવારના છોકરા-છોકરી ભાગી ગયેલ તેમાં તેઓને કોઈ પણ જાતની લેવાદેવા ન હોવા છતાં ૨૭. ઓક્ટોબર-૨૦૨૦ ના રોજ છોકરી પક્ષના ત્રણ પુરુષો તથા ત્રણ મહિલાઓ લાકડીઓ લઇ વિનોદભાઈ ડામોરના ઘરે ઝનૂનપૂર્વક દોડી આવેલ. અને ઘરની બહાર બાંધવામાં આવેલ પશુઓને લાકડીઓ વડે આડેધડ ફટકા મારવા લાગેલ. તેમાં એક ગાય (વાછરડી) ને આડેધડ ફટકા મારતા જમીન ઉપર ઢળી પડેલ. અને થોડી જ વારમાં તે ગાયનું પ્રાણપંખેરું ઉડી જતાં વિનોદભાઈ ડામોરની માંએ રોકકળ કરી બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.જ્યારે પશુઓને મારામારી કરી રહેલ મહિલા તથા પુરુષો ભાગી છૂટ્યા હતા.ત્યારબાદ ૨૮ ઓક્ટોબર- ૨૦૨૦ ના રોજ વિનોદભાઈ ડામોરે સવારમાં ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત હકીકત વર્ણવતી અને ત્રણ મહિલાઓ સહિત ત્રણ પુરુષોના નામ જોગ લેખિત ફરિયાદ આપી હતી. ફતેપુરા પોલીસે ફરિયાદીની ફરિયાદ લીધા બાદ મોટા સલરા ગામે સ્થળ પર જઇ જોતા ગાય મૃત હાલતમાં જણાઈ આવી હતી.અને ત્યારબાદ તમો ફતેપુરા આવો તેમ જણાવી પોલીસ પરત જતી રહેલ હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જોકે હાલ આજરોજ બીજા દિવસ સુધી મૃત ગાય સ્થળ ઉપરજ મૃત હાલતમાં પડેલ હોવા છતાં કોઈ જ તપાસ કરવામાં આવી નહીં હોવાની તથા લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ લોકોની પણ કોઈ પૂછપરછ કરવામાં નહીં આવતા આજરોજ વિનોદભાઈ ડામોરે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ફેક્સ દ્વારા રજૂઆત કરી ગાયના હત્યારાઓની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફોટો÷ ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામે કથિત આક્ષેપ મુજબ લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારવામાં આવેલ મૃત ગાય નજરે પડે છે.