સુખસર ખાતે મહાદેવજી મંદિરની ધર્મશાળા વાળી જમીનમાં દબાણ કર્તાઓ વિરુદ્ધમાં ગુનો નોંધાયો,મંદિર તથા ધર્મશાળા માટે દાનમાં જમીન આપનારના વારસદાર ને દબાણ કર્તાએ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સુખસર,તા.૨૯
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર વ્યક્તિગત દબાણો કરી જમીનો પચાવી પાડેલ છે.તેવી સ્થિતિ સુખસરમાં પણ છે.પરંતુ સુખસરમાં મહાદેવજી મંદિર તથા તેની ધર્મશાળા માટે કલાલ સમાજના વડીલો દ્વારા દાનમાં આપેલ જમીનમાં પણ પૈસાદાર લોકોએ પાકા બાંધકામ કરી ધર્મશાળા વાળી જમીન પચાવી પાડતા તે સંદર્ભે બોલાચાલી થતા કલાલ સમાજના એક વારસદાર સાથે જમીન પચાવી પાડનાર વ્યક્તિઓ દ્વારા ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં બે વ્યક્તિઓ સામે તેની સુખસર પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર.દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ રે.સ. નં. ૨૪ વાળી જમીનમાં મહાદેવજી મંદિર આવેલ છે.આ મંદિર તથા ધર્મશાળા વાળી જમીન વર્ષો અગાઉ કલાલ સમાજના સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલ છે.જ્યાં હાલ મહાદેવજી મંદિર આવેલ છે.પરંતુ જે જમીન ઉપર ધર્મશાળાનું બાંધકામ કરવામાં આવનાર હતું તે જગ્યા ઉપર પૈસાદાર પંચાલ સમાજના લોકોએ પાકા બાંધકામ કરી ધર્મશાળા વાળી જમીન પચાવી પાડવામાં આવતા કલાલ સમાજના એક સભ્ય દ્વારા આગાઉ મામલતદાર ફતેપુરા તથા દાહોદ જિલ્લા કલેકટર સમક્ષ મહાદેવજી મંદિરની ધર્મશાળા વાળી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જેની અદાવત રાખી બુધવારના રોજ હિતેશ કુમાર પૂનમચંદ કલાલનાઓ તથા તેમના કાકાનો છોકરો પ્રદીપભાઈ કલાલ સુખસર બજારમાં નીકળ્યા હતા.તેવા સમયે આ ધર્મશાળા વાળી જમીન ઉપર પાકું બાંધકામ કરી સોના-ચાંદીનો ધંધો કરતા ગુણવંતલાલ નાથાલાલ પંચાલ તથા તેમનો પુત્ર ગોપાલ ગુણવંતલાલ પંચાલનાઓએ હિતેશભાઈ પંચાલને તું અમારા વિરુદ્ધમાં દબાણ બાબતે અરજીઓ કેમ કરે છે? નું ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ હિતેશભાઈ કલાલને પકડી ગુણવંતલાલ પંચાલ તેમની દુકાનમાં ખેંચી લઇ ગયેલ.અને ત્યાં લઈ જઈ ઝપાઝપી કરી ગળુ દબાવવાની કોશિશ કરતા પ્રદીપભાઈ કલાલ પહોંચી ગયેલ. અને બોલાચાલી થતા આસપાસના માણસો પણ દોડી આવેલ.
ઉપરોક્ત બાબતે હિતેશકુમાર કલાલે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુણવંતલાલ નાથાલાલ પંચાલ તથા તેમના પુત્ર ગોપાલભાઈ ગુણવંતલાલ પંચાલના ઓની વિરુદ્ધમાં મારામારી,સુલેહ ભંગ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે એફ.આઈ.આર. દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
÷ બોક્સ÷
સુખસર ખાતે આવેલ મહાદેવજી મંદિરની ધર્મશાળા વાળી જમીન ઉપર સ્થાનિક લોકોએ ગેરકાયદેસર પાકા બાંધકામ કરી જમીન દબાણ કરી દેતા તેની ધાર્મિક હેતુ માટે દાન પેટે જમીન આપનારના વારસદારો દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હોવા છતાં કોઇ કાર્યવાહી થયેલ નહીં હોવાનું જાણવા મળે છે.જ્યારે હિતેશકુમાર પૂનમચંદ કલાલે આજરોજ મામલતદાર ફતેપુરાને લેખિતમાં જણાવ્યું છે કે, સુખસર ખાતે ધર્મશાળા વાળી જમીન ઉપર ગેરકાયદેસર કરવામાં આવેલ પાકા દબાણો ૭.નવેમ્બર-૨૦૨૦ સુધી હટાવવામાં નહીં આવે તો ૮.નવેમ્બર-૨૦૨૦ના રોજ આ જગ્યા ઉપર આત્મવિલોપન કરશેની ચીમકી ઉચ્ચારી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.હવે જોવું રહ્યું કે, જવાબદાર તંત્ર દ્વારા ધાર્મિક હેતુ વાળી જમીન ઉપર ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણો હટાવાશે કે દબાણ કર્તાઓને પ્રોત્સાહન અપાશે તે સમય આવ્યેજ જાણી શકાશે.