વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટની કરી વ્યવસ્થા,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી
ન્યુ દિલ્હી,તા.૧૨
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે ઇંગ્લેન્ડ જવા રવાના થતાં એક અઠવાડિયા પહેલા મુંબઇના બાયો બબલમાં રહેશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયાએ મુંબઈ પહોંચતા પહેલા ખેલાડીઓના ઘરે કોરોના ચેકની વ્યવસ્થા કરી છે. જેથી ખેલાડીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ખેલાડીઓની સાથે ઇંગ્લેન્ડ જતા પરિવારના સભ્યોની પણ તપાસ કરવામાં આવશે.
બીસીસીઆઈએ મુંબઇ સ્થિત કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને અજિંક્ય રહાણે સહિત અન્ય ખેલાડીઓને એક અઠવાડિયા માટે ક્વોરન્ટીનની છૂટ આપી છે, પરંતુ આ ખેલાડીઓએ પોતાના ઘરે જ આઇસોલેશનમાં રહેવું પડશે. તેઓ ઘરની બહાર જઇ શકશે નહીં. ઇંગ્લેન્ડ જતા પહેલા ખેલાડીઓ અને તેમના ફેમિલી મેમ્બર્સના ત્રણ આરટી-પીસીઆર ટેસ્ટ અને એક વીકનું આઇસોલેશન જરૂરી છે.
ઘણા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ થતા ૨૯ મેચ બાદ આઈપીએલ-૨૦૨૧ મુલતવી રાખવી પડી. આમાંથી શીખ લઈને, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભાગ લેનારા તમામ આયોજકો તેમના તરફથી કોઈ કસર છોડશે નહીં. આઇસીસીએ બીસીસીઆઈ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને ઈંગ્લેન્ડમાં કોરોનાના પ્રોટોકોલ નિયમોનું સખત રીતે પાલન કરવા સૂચના આપી છે. ઇંગ્લેન્ડ જતા પહેલા સુનિશ્ચિત કરવાનું છે કે તેમના કોઈપણ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફમાં કોરોનાના કોઈ લક્ષણ નથી. તે માટે ટેસ્ટિંગ, આઇસોલેશન સહિત તમામ સાવચેતી રાખવામાં આવશે.
બોર્ડે ઇંગ્લેન્ડ ટૂર પર જનાર ખેલાડીઓને માત્ર કોવીશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા કહ્યું છે. બોર્ડ બીજા ડોઝ માટે ઇંગ્લેન્ડના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં એસ્ટ્રેજેનેકા વેક્સિન ઉપલબ્ધ છે, જે કોવીશિલ્ડનું વર્જન છે. બોર્ડ ઈચ્છે છે કે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખેલાડીઓ માટે બીજા ડોઝમાં એસ્ટ્રેજેનેકા ઉપલબ્ધ કરવામાં આવે.
વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઇશાંત શર્મા, ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવ સહિત મોટાભાગના બધા ખેલાડીઓએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. બોર્ડે કહ્યું, જાે કોઈ શહેરમાં વેક્સિન ઉપલબ્ધ ન હોય તો ખેલાડી બોર્ડને જાણ કરી શકશે. બોર્ડ તેમના માટે વેક્સિનની વ્યવસ્થા કરી આપશે.