સુમિત વણઝારા
સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન સમારોહ સીટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે યોજાયો
રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ સંપન્ન
ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા
દાહોદ, તા. ૨૧ :
દાહોદ જિલ્લામાં સાંસદ જસવંતસિંહ ભાભોર આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન સમારોહ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં સીટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે ગત રોજ યોજાયો હતો. ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને મહાનુભાવોએ સન્માનપત્ર આપીને બિરદાવ્યા હતા. ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ઉમદા રમત પ્રદર્શન બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી યોજાયેલી સાંસદ ખેલ સ્પર્ધા થકી જિલ્લાને નવા ખેલાડીઓ મળશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે સાંસદ ખેલ સ્પર્ધામાં મોટી સંખ્યામાં રમતવીરોને ભાગ લેવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા અને યુવાનો રમત ગમત ક્ષેત્રે વિશ્વ કક્ષાએ ગૌરવ મેળવે તે માટે આ પ્રકારની સ્પર્ધાઓ મહત્વની તેમજ પ્રોત્સાહક હોવાનું જણાવ્યું હતું.
ક્રિકેટ ટૂનામેન્ટ સમાપન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, દાહોદ નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, અગ્રણી શ્રી સુધીરભાઈ લાલપુરવાલા સહિતના અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, રમતવીરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.