![*સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા લગ્નની લાલચ આપીને ભગાડી લઇ ગોંધી રાખેલી યુવતીને પરિવારને પરત સોંપાઈ.*](https://dahodlive.com/wp-content/uploads/2024/08/Screenshot_20240831_200020_WhatsAppBusiness-770x377.jpg)
રાજેશ વસાવે :- દાહોદ
*સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા લગ્નની લાલચ આપીને ભગાડી લઇ ગોંધી રાખેલી યુવતીને પરિવારને પરત સોંપાઈ.*
ધરમપુર તા. ૩૧
વલસાડ જિલ્લના ધરમપુર તાલુકાના એક ગામડાની 19 વર્ષીય યુવતીને મહારાષ્ટ્રના નંદુરબારના અક્કલકુવાના ભાવેશ પ્રજાપતિ નામના યુવકે પોતે પરિણીત અને 2 બાળકીઓનો પિતા હોવા છતાં આ હકીકત છુપાવી લગ્નની લાલચ આપી રાજપીપળા બાજુ ભગાડી લઇ જઈ કોર્ટ મેરેજ કરી લીધેલ.આ બાબતની જાણ છોકરીના પરિવારજનોને થતાં તેમના માથે દુઃખનો પહાડ તૂટી પડેલ અને તેઓએ છોકરીને પરત લાવવા આકાશ પાતાળ એક કરવા છતાં ભાવેશે દાદાગીરીપૂર્વક છોકરીને પરત કરવાની ના પાડી દિધેલ અને પરિવારજનો સાથે સંપર્ક થવા દિધેલ નહિ.
આથી છોકરીના પરિવારજનોએ ભાવેશની પત્નિ અને માંડવીના સામાજિક આગેવાન મનીષ શેઠનો સંપર્ક કરતા,મનીષ શેઠે તાત્કાલિક નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ધરમપુરના સામાજિક આગેવાન સુરેશ પટેલનો સંપર્ક કરી આ બાબતમાં સતત ફોલોઅપ લઇ ટીમવર્કથી બંને પક્ષે સમાધાન કરેલ અને યુવતીને પરિવારને પરત સોંપવામાં આવેલ અને યુવતીના પરિવારને 151000 રૂપિયાની સહાય અપાવવામાં આવેલ અને અસલી પત્નિ અને તેના બંને બાળકોના આજીવન ભરણપોષણની જવાબદારી લેશે એવું લેખિતમાં કબૂલાતનામું લેવડાવેલ તેમજ પત્નિના નામે લીધેલ તમામ લોનની રકમ ટૂંક સમયમાં ભરપાઈ કરશે તેની લેખિતમાં બાંહેધારી આપેલ.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલ,મનીષ શેઠ અને સુરેશ પટેલે જણાવેલ કે આદિવાસી વિસ્તારોમાં ગરીબ આદિવાસી કન્યાઓના પરિવારજનોને 25000-50000 રૂપિયા આપી ખરીદી લઇ રીતસરની માનવતસ્કરી કરી આખા પરિવારના ઉપભોગનું સાધન બનાવીને જિંદગી બરબાદ કરવામાં આવતી હોય છે.પહેલાના સમયમાં ગરીબ અભણ પ્રજાના અજ્ઞાનનો લાભ લઇ આવા લેભાગુ દલાલો કેટલીય યુવતીઓને ભગાડી લઇ વેચી નાંખતા હતાં,પરંતુ હવે આવું અધમ કૃત્ય કોઈપણ કાળે ચલાવી લેવામાં આવશે નહિ અને આવું કરનારને કડકમાં કડક કાયદાકીય સજા મળે એ દિશામાં નક્કર પગલાં લેવામાં આવશે.આ પ્રસંગે મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,ઉમેશ પટેલ,મુકેશ પટેલ,નિલેશભાઈ,પ્રમોદભાઈ,સમીરભાઈ ચૌધરી,સુનિલભાઈ ગામિત,પ્રકાશભાઈ વસાવા,નિખિલ, કાર્તિક,પથિક,ભાવેશ,ભાવિન,કમલ,સાગર,જીગર,મિત્રાંશુ ગામિત સહિત અનેક યુવાનો હાજર રહ્યા હતાં.