Saturday, 27/11/2021
Dark Mode

ફતેપુરા તાલુકાના આદિવાસી-રોહિત સમાજમાં પૂર બહારમાં ખીલેલી લગ્નસરાની મોસમ: રીવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરવા યુવાપેઢીએ આગળ આવવું પડશે…

ફતેપુરા તાલુકાના આદિવાસી-રોહિત સમાજમાં પૂર બહારમાં ખીલેલી લગ્નસરાની મોસમ: રીવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરવા યુવાપેઢીએ આગળ આવવું પડશે…

બાબુ સોલંકી :- સુખસર 

  • ફતેપુરા તાલુકાના આદિવાસી-રોહિત સમાજમાં પૂર બહારમાં ખીલેલી લગ્નસરાની મોસમ.
  • રીવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરવા યુવાપેઢીએ આગળ આવવું પડશે.
  •  આદિવાસી-રોહિત સમાજમાં કન્યાના દહેજ પેટે લાખો રૂપિયા વર પક્ષ પાસેથી વસુલાત કરવામાં આવે છે.
  •  દહેજના દૂષણને ડામવા સરકારનું કાનૂની કવચ છતાં મોટા બાકોરા.
  •  અન્ય સમાજોમાં દહેજના નામે શોષાતી નારીઓની જેમ આદિવાસી-રોહિત સમાજમાં શોષિત થતા વરને કાનૂની કવચ કે સામાજિક સંસ્થાઓ તરફથી ખાસ રક્ષણ મળે છે ખરું?તે વિચાર માંગતો તો પ્રશ્ન છે.

     ( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૬

  દહેજના ખપ્પરમાં હોમાઈ જતી નારી નવોઢા અને તેમના ઉપર સાસરી પક્ષ દ્વારા ગુજારવામાં આવતાં સિતમ ના બનતા કિસ્સાઓની કોઈ સીમા નથી.અબળા ગણાતી નારીને દહેજના આ દૂષણ સામે સરકાર દ્વારા કાનૂની કવચ પૂરું પાડવામાં આવેલ છે.તથા અનેક નારી સંરક્ષણ સંસ્થાઓ દ્વારા પણ કાનૂની કવચ આપવામાં આવેલ છે.સાથે અનેક નારી સંરક્ષણ સંસ્થા ઓ આ ક્ષેત્રે કાર્યરત રહી સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડે છે.ત્યારે પુરુષ પ્રધાન કહેવાતા આ યુગમાં દાહોદ જિલ્લામાં આદિવાસી તથા રોહિત સમાજ ની જ્ઞાતિઓમાં અવળી ગંગા વહે છે.આ જ્ઞાતિઓમાં વરપક્ષ વાળા કન્યાને દહેજ આપે છે.દહેજની રકમ કન્યાના કુટુંબ અને ભણતર મુજબ નક્કી થાય છે.આ રકમ દહેજ પેટે આપ્યા બાદ જ લગ્ન સંભવિત બને છે.અને ત્યારબાદ સામાન્યપણે દહેજના પાપે શોષાતી નારીઓના જોવા મળતા કિસ્સાઓની જેમ જ આ જ્ઞાતિઓમાં વર શોષાતા રહ્યા છે.કન્યા પક્ષ તરફથી વધુને વધુ દહેજ મેળવવા માટે વર પક્ષ ઉપર દબાણ કરવામાં આવતુ હોય છે.દહેજના દૂષણના સિક્કાની બીજી બાજુ જેવા આ રિવાજમાં કેટલીકવાર શોષિત થતા વર કંટાળી જઈને છુટકારો મેળવવા અંતિમ પગલું ભરતા પણ અચકાતા નથી.જો કે મોટાભાગના આવા કિસ્સાઓ ભાગ્યે જ પ્રકાશમાં આવતા હોય છે.શોષિત થતા વરને કાનૂની કવચ કે સામાજિક સંસ્થાઓ તરફથી ખાસ રક્ષણ મળે છે ખરું? એ વિચાર માંગતો પ્રશ્ન છે.

દહેજ આપવું કે લેવું તે કાયદાકીય રીતે ગુન્હો બને છે.તેમ છતાં કાયદાકીય જોગવાઈઓને બાજુમાં રાખી આદિવાસી તથા રોહિત સમાજ માં દહેજ આપ-લેની પ્રથા ફૂલી ફાલી બિન રોકટોક ચાલી રહી છે.સામાજિક હિતચિંતકોએ લગ્નને પવિત્ર બંધન ગણાવ્યું છે.પરંતુ આદિવાસી રોહિત સમાજમાં પવિત્ર બંધનના નામે દહેજ પ્રથા પ્રમુખસ્થાને રાખવામાં આવતી હોવાનું જોવા અને જાણવા મળે છે. દહેજ પ્રથામાં માનતા સમાજમાં એક વ્યક્તિના લીધે કુટુંબના તમામ સભ્યોને સામાજિક રીત-રિવાજો કે કુરિવાજોમાં માથું ઉંચુ રાખવા માટે એક અંધારા ખૂણામાં સંતાઈ ને શોષાવુ પડે છે. દહેજ આપનાર વ્યક્તિ ગરીબ હોય કે અમીર તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવતી નથી.તેમજ આ સમાજમાં દહેજ આપવા મજબુર છોકરા-છોકરી ભાગી જઈ લગ્ન કરી લેતા હોય છે.ત્યારે ભાગેડુ યુગલને સમાજ દ્વારા પંચના કરાર મુજબ સમાજમાં દાખલો બેસી શકે તેવી દહેજ પેટે અથવા તો દંડ પેટે છોકરા પક્ષ દ્વારા ઊંચી રકમ આપે ત્યારે જ તેઓનો સમાજ સ્વીકાર કરે છે.આમ અમુક સમાજોમાં સામાજિક રીતે કરેલ લગ્ન હોય કે કાયદાકીય રીતે પરંતુ દહેજના દૈત્યને ટાળવાનો કોઈ રસ્તો રહેતો નથી.

     હાલ દાહોદ જિલ્લાના કેટલાક તાલુકાઓને બાદ કરતાં આદિવાસી સમાજમાં વર પક્ષ પાસેથી કન્યા પક્ષ દહેજ પેટે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વસૂલ કરી રહ્યા છે.જ્યારે રોહિત સમાજની વાત કરીએ તો રોહિત સમાજમાં વરપક્ષ તરફથી કન્યા પક્ષને દહેજ પેટે ચાર લાખની આસપાસની રોકડ રકમ આપવાનો રિવાજ ચાલે છે.જો કે ઉપરોક્ત રકમ ઘરેલુ કન્યાઓના દહેજની છે.જ્યારે ભણેલી તથા નોકરિયાત કન્યાના દહેજ પેટે અનેક ગણી રકમ કન્યાપક્ષ વસૂલ કરતા હોવાના કિસ્સા પણ જોવા અને જાણવા મળે છે.આમ કન્યાની યોગ્યતા મુજબ દહેજની રકમ વસૂલ કરવામાં આવતી હોય છે. જોકે આદિવાસી રોહિત સમાજમાં કેટલાક કન્યાપક્ષ વાળાઓ લગ્નના ખર્ચ માટે કન્યાના પિતાને રોકડ નાણાં તથા કન્યાને સોના ચાંદીના દાગીના આપવાનો રિવાજ પણ કરી રહ્યા છે. પરંતુ તે પણ લાખો રૂપિયા થી ઓછું તો નહીં જ!

      અહીંયા જણાવવું જરૂરી છે કે,વર્ષોવર્ષ દહેજની રકમ માં પચાસ હજારથી એક લાખ રૂપિયા સુધીનો વધારો થતો રહે છે.જાણે દુ:ખતા ઉપર ડામ દેવાતા હોય તેમ રોહિત સમાજ માં લગ્ન બાદ કન્યાનું આણુ રોકવાનો રિવાજ છે.જેમાં કન્યાને ચારથી પાંચ માસ જેટલો સમય પિયરમાં રોકવામાં આવે છે.જ્યારે અણુ વળાવવાના સમયે વર પક્ષ પાસેથી આણાના નામે પણ હજારો રૂપિયા કન્યા પક્ષ દ્વારા પડાવવામાં આવતા હોય છે.

     એક બાજુ જોઈએ તો દહેજપ્રથા થી વરપક્ષ ગરીબી તરફ ધકેલાય છે. અને આખી જિંદગી દહેજ પેટે કરેલ ખર્ચની ભરપાઈ કરવા માટેજ બાકીનું જીવન જીવતા હોય તેમ જણાય છે. બીજી બાજુ જોઈએ તો કન્યાપક્ષ દ્વારા વર પક્ષ પાસેથી દહેજ પેટે લીધેલ રકમથી વરપક્ષ પાયમાલ બનતા કન્યાએ તેજ ઘરમાં ગરીબી ભોગવવી પડે છે. પોતાની દીકરી ઘર,પરિવાર,માતા-પિતા અને પિતાની તમામ માલમિલકત છોડી પિતાના ઘરેથી કંઇ પણ લીધા વગર ઘર સંસાર માંડવા નીકળે છે ત્યારે પોતાની દીકરીને સાચો પ્રેમ કરતા હોય અને સુખી જોવા ઇચ્છતા મા-બાપને દહેજ પ્રથા નાબૂદ કરવા સજાગ બની આગળ આવવું પડશે.અથવા તો જિંદગી પર્યંત દીકરી તો દુઃખી થશે પરંતુ આપણે દીકરીના સાચા માતા-પિતા હોય તો દીકરીના દુઃખને સહન કરવાની શક્તિ કેળવ્યા પછીજ દીકરીના લગ્ન કરજો.

       દહેજની આપ-લેથી પોતાના જ સમાજમાં ખાડો પડે છે.તે પોતાના જ સમાજે પૂરવાનો હોય છે.આપણે એ પણ સમજવાની જરૂર છે કે, સામાજીક કુરિવાજોને સમાજમાં રાખી આપણે શોષણનો શિકાર બની રહ્યા છીએ તેના કરતાં તેવા રિવાજોને દૂર કરી સામાજિક પરિવર્તન લાવવાનો મોકો જતો કરવો જોઈએ નહીં. સામાજિક રીત-રિવાજો એ સમાજની લક્ષ્મણરેખા છે.જે રેખાની અંદર દરેક વ્યક્તિ તથા સમાજે રહેવાનું હોય છે. પરંતુ જે રિવાજોના નામે કુરિવાજો ઘર કરી ગયા છે,જેના લીધે સમાજમાં સમસ્યાઓ સર્જાય છે.ત્યારે સામાજિક આગેવાનોની સાથે-સાથે સમગ્ર સમાજે પણ જાગૃતતા દાખવી સમાજને અધોગતિ તરફ ધકેલાતો બચાવી લેવો તે જ સમયની માંગ છે.

error: Content is protected !!