
હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરાના રૂપાખેડા માં ૨૧ વર્ષીય પરિણીતાનુ શંકાસ્પદ મોત: હત્યા કરવામાં આવી હોવાનો પિયરીયાનો આક્ષેપ.
સુખસર તા.21
ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે ૨૧ વર્ષીય પરિણિતાની લાશ ઘરમાંથી મળી આવી હોવાનું અને સાસરી પક્ષનાઓ દ્વારા મહિલાએ ગળેફાંસો ખાધો હોવાનું જ્યારે પિયરિયાઓ દ્વારા પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ સત્ય હકીકત લાશના પી.એમ બાદ જ જાણવા મળશે.
ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે રહેતા પરેશભાઈ રત્નાભાઈ પરમારના લગ્ન સંતરામપુર તાલુકાના મોટાસરણાયા ગામના છગનભાઈ અખમભાઈ ડામોરની પુત્રી લીલાબેન સાથે બે વર્ષ અગાઉ સમાજના રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા.તેઓને હાલ સંતાન પેટે એક ૧ વર્ષનો પુત્ર પણ છે. જેમાં આજરોજ લીલાબેનનો મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.અને મૃતક મહિલાના પિતાએ જણાવેલ કે સવારના લાલાભાઇ કિશોરી દ્વારા મૃતક લીલાબેનના પિતા ઉપર મોબાઈલથી જણાવવામાં આવેલ કે,તમારી પુત્રી લીલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે.અને તમો રૂપાખેડા આવો તેવા સમાચાર આપતા મૃતક યુવતીના પિતા સહિત મોટા સરણૈયા ગામના લોકો રૂપાખેડા ગામે ગયા હતા.જ્યાં જઈ જોતા મૃતક લીલાબેન જમીન ઉપર પડેલા હતા અને તેમની બાજુમાં એક ખુરશી તથા દોરડું જોવા મળ્યું હતું.અને લીલાબેનની હત્યા કરી તે બનાવને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ તેમના સાસરિયાઓ દ્વારા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પિયર પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.ત્યારે મૃતક મહિલાના સાસરિયાઓ દ્વારા લીલાબેને પોતે દોરડા વડે ફાંસો ખાઈ ઘરમાં આત્મહત્યા કરેલ હોવાનું પોલીસને જણાવ્યું હોવાનું જાણવા મળે છે. ઘટનાને લઇ ડીવાયએસપી પી બી જાદવ ફતેપુરા મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો.
એસ એન બારીયા (પીએસઆઇ સુખસર)
રૂપાખેડા માં પરિણીતાની લાશ મળી હતી જેનો પોસ્ટમોર્ટમ કરાવ્યું છે જેમાં ગળેફાંસો ખાધો હોવાનું રિપોર્ટમાં આવ્યું છે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છગનભાઈ ડામોર (મૃતકના પિતા મોટા સરણાયા)
મારી પુત્રીની હત્યા કરાઈ છે તેના સાસરિયા જોડે વારંવાર ઝઘડો તકરાર થતી હતી પરંતુ પુત્રીને એક સંતાન હોવાથી અમો સમજાવીને તેને ત્યાં રહેવાનું કહેતા હતા. સાસરિયાઓ એ મારી દીધી છે.