Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાની પ્રજાને કોરોનાવાયરસ,પાણીની સમસ્યા, સ્થાનિક જગ્યાએ રોજગારી જેવા સતાવતા વિવિધ પ્રશ્નો પ્રત્યે વહીવટી તંત્રોની સજાગતા જરૂરી…

ફતેપુરા તાલુકાની પ્રજાને કોરોનાવાયરસ,પાણીની સમસ્યા, સ્થાનિક જગ્યાએ રોજગારી જેવા સતાવતા વિવિધ પ્રશ્નો પ્રત્યે વહીવટી તંત્રોની સજાગતા જરૂરી…

બાબુ સોલંકી :- સુખસર

  • ફતેપુરા તાલુકાની પ્રજાને કોરોનાવાયરસ,પાણીની સમસ્યા, સ્થાનિક જગ્યાએ રોજગારી જેવા સતાવતા વિવિધ પ્રશ્નો પ્રત્યે વહીવટી તંત્રોની સજાગતા જરૂરી 
  • તાલુકામાં કોરોનાના વધતા જતા કેસ,આવનાર સમયમાં ઉભી થનાર પાણીની સમસ્યા, સરકારના પરિપત્ર મુજબ રોગચાળો અટકાવવાના નિયમો પ્રત્યે પ્રજામાં જાગૃતિનો અભાવ, વાહન ચાલકોની બેદરકારીથી વધતા જતા અકસ્માત બનાવો,
  • સામાજિક પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, સ્થાનિક જગ્યાએ રોજગારીના અભાવે રોજીરોટી માટે હિજરત કરતી પ્રજા સહિત અનેક પ્રશ્નો એ પ્રજાને બાનમાં લીધેલ છે. 
  • ફતેપુરા તાલુકામાં કૂવા તથા બોરના તળ ઉંચા લાવવા કડાણા દાહોદ એક્સપ્રેસ પાણીની પાઈપલાઈન દ્વારા નદી,નાળા,તળાવો માં પાણી ભરવા માંગ.

  સુખસર,તા.૧૫

    દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પ્રજા વિવિધ પ્રશ્નો વચ્ચે ઘેરાયેલી છે. જેમાં ખાસ કરીને હાલ કોરોના બીમારી તાલુકાની પ્રજામાં પકડ જમાવી રહી છે.દિન-પ્રતિદિન કોરોના ના કેસો વધતા જાય છે.બીજી બાજુ વહીવટીતંત્રો પણ આવનાર સમયમાં વધુ લોકો કોરોનાનો શિકાર બને નહીં તે માટે કામ કરી રહેલ છે.તે સિવાય આવનાર સમયમાં ઉભી થનાર પાણીની સમસ્યા સહિત નાની જણાતી પરંતુ વર્ષોથી સમાધાન વિનાની પ્રજા માટે ગંભીર સમસ્યાઓ ઉભેલી છે.અને તે સમસ્યાનો હલ થાય તો જ પ્રજામાં સુખાકારી આવે તેમાં કોઈ બેમત નથી.

     ફતેપુરા તાલુકામાં હાલ કોરોનાવાયરસ દિન-પ્રતિદિન પોતાની પક્કડ જમાવી રહ્યો છે.ત્યારે પ્રજામાં ભયની લાગણી પણ વધતી જાય છે. તેમજ તાલુકાના અનેક ગામડાઓના લોકોને કોરોના બીમારીએ ઝપટમાં દીધા છે. છતાં કેટલાક લોકો સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી રોગચાળાને આમંત્રણ આપતા હોય તેવું પણ નજરે જોતા જણાઈ આવે છે.જેના લીધે રોગચાળો બેકાબૂ બનવાના અણસાર જણાય છે.ત્યારે બેપરવાહ લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જરૂરત જણાય રહી છે.

     ફતેપુરા તાલુકામાં આવનાર સમયમાં પિવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય તેવા સંકેત જણાઈ રહ્યા છે.હાલથી જ કુવા, નદી-નાળા,તળાવોમાં પાણી સુકાઈ જવા પામેલ છે.કેટલા કુવા,બોરમાં રહ્યાસહ્યા પાણીથી લોકો ચલાવી રહ્યા છે.પરંતુ હજી આવનાર સમયમાં આ પાણી પણ જોવા નહીં મળે તેવું જણાઈ રહ્યું છે.ત્યારે આવનાર સમયમાં ઉદભવનાર પાણીની સમસ્યા હલ કરવા માટે ફતેપુરા તાલુકા માંથી પસાર થતી કડાણા દાહોદ એક્સપ્રેસ લાઇન દ્વારા તળાવો અને નદી નાળાઓમાં પાણી ભરવામાં આવેતો પાણીના તળ ઊંચા આવે અને કુવા હેન્ડપંપ તથા બોરમાં પાણીની આવક થઈ શકે તે સિવાય પાણીની સમસ્યા હલ કરવા માટે ફતેપુરા તાલુકામાં બીજો કોઈ ઉપાય જણાતો નથી. કારણકે તાલુકાના મોટાભાગના હેન્ડપંપ,બોર,કુવા વિગેરેમાં પાણી ખલાસ થવાના આરે જોવા મળે છે. પાણી માટે પ્રજામાં આગ લાગે અને કૂવો ખોદવા બેસવું તેવો ઘાટ સર્જાય નહીં તે જોવાની જવાબદારી વહીવટી તંત્રોની છે. જેથી પ્રજામાં પાણીના પોકારો પડે તે પહેલા વહીવટીતંત્રએ આગોતરુ આયોજન કરવું ખૂબ જરૂરી જણાય છે.

    હાલ કોરોના વાયરસ તાલુકા સહિત જિલ્લામાં પ્રસરી રહ્યો છે.ત્યારે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર અને જિલ્લા-તાલુકા તંત્ર દ્વારા સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે.પરંતુ સરકારનાં જાહેરનામાઓનો કેટલીક જગ્યાએ સરેઆમ ભંગ થઇ રહ્યો હોવાનું પણ જોવા મળે છે.લોકોને ફરજિયાત માસ્ક પહેરવા સહીત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવાયું છે.પરંતુ આ નિયમનો મોટાભાગે ભંગ કરવામાં આવતો હોવાનું નજરે જોતાં જણાઈ આવે છે. કર્ફ્યુ મુક્તિ દરમિયાન જે લોકો શહેર બજારમાં ધંધા-વેપાર તથા ખરીદી માટે આવે છે તેમાંથી મોટાભાગના લોકો માસ્ક વિના જોવા મળે છે. મોટાભાગે શાકભાજી વેચાણ કરતા તથા નાના વેપારીઓને નિયમો નડતાં ન હોય તેમ વર્તતા પણ જોવા મળે છે.તેમજ વેપારી તથા ગ્રાહક વચ્ચે સામાજિક અંતરનો પણ અભાવ જણાઇ આવે છે. જેથી નિયમોનો ભંગ કરતા લોકો દ્વારા કોરોના બીમારીને સામેથી નોતરવામાં આવતી હોવાનું જણાય છે. ત્યારે વેપારી તથા ગ્રાહકોની લાપરવાહી સામે વહીવટી તંત્ર કડકાઈ દાખવે તે પણ જરૂરી જણાય છે.

     હાલ ફતેપુરા તાલુકામાં ટુ ફોર વ્હીલર વાહન ચાલકો બેફામ બનતા જાય છે અને દિન-પ્રતિદિન નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે મોટાભાગે તાલુકામાં વાહન ચલાવવા સામાન્ય જાણકારી ધરાવતા વાહનચાલકો વાહનો હંકારી રહ્યા છે. પેસેન્જરો વહન કરતાં ખાનગી વાહનચાલકો પોતાના વાહનમાં ઘેટા બકરાની જેમ લોડીંગ વાહનોમાં મુસાફરો ભરી પોતાના વાહનો દોડાવી રહ્યા છે.અને તેવા લોકો અકસ્માત નોતરે છે. ત્યારે અકસ્માતનો ભોગ બનેલા લોકોને કોઈ વળતર ચૂકવાતુ નથી.જોકે તાલુકામાં ટુ વ્હીલર વાહનો હંકારતા ૯૦ ટકા વાહનચાલકો પાસે વાહન ચલાવવા માટેના લાયસન્સ તથા અનેક લોકો પાસે વાહનના ડોક્યુમેન્ટ પણ હોતા નથી. અને જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે અકસ્માતનો ભોગ બનેલા પીડિતના ભાગે જે-તે મુશ્કેલી ભોગવવાનો સમય આવે છે.ત્યારે તાલુકામાં દોડતા ટુ-ફોર વ્હીલર વાહન ચાલકોની ગતિ મર્યાદા ઉપર રોક લગાવવામાં આવે તથા તમામ વાહનો ની તપાસ કરવામાં આવેતો થતા અકસ્માતોમાં ઘટાડો થઈ શકે સાથે અનેક વાહનચાલકો સામે ગુન્હા પણ નોંધાઈ શકે તેમ છે.

    ફતેપુરા તાલુકામાં હાલ વિવિધ સામાજિક પ્રસંગો પુર જોશમાં ઉજવાઇ રહ્યા છે.જેમાં ઘોંઘાટિયા વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેના લીધે કેટલીક જગ્યાઓ ઉપર ઝઘડા તકરારના બનાવો બને છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડે છે.ત્યારે આવા ઘોંઘાટિયા વાજિંત્રો ઉપર અંકુશ લાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે,તે પ્રશંસનીય બાબત છે. જોકે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ડીજે સંચાલકો દ્વારા સ્થાનિક જવાબદાર તંત્રને રજૂઆતો કરવામાં આવે છે.પરંતુ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરનાર તંત્ર સિવાય તેમાં અન્ય કોઈ નીચેનું તંત્ર ફેરફાર કરી ન શકે તે પણ એક હકીકત છે. અને પ્રસિદ્ધ થયેલ જાહેરનામા મુજબ પ્રજાએ તેનું ફરજિયાત પાલન કરવાની પણ જવાબદારી પ્રજાની હોય છે. જોકે જાહેરનામા મુજબ પ્રસંગમાં આવનાર મહેમાનોની મર્યાદા રાખવામાં આવેલ છે તે પણ યોગ્ય છે.

     ફતેપુરા તાલુકામાં સ્થાનિક જગ્યાએ રોજગારીના અભાવે નોકરિયાત,ધંધાદારીઓ અને વૃદ્ધ અશક્તો સિવાય મોટાભાગના શ્રમિક લોકો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં બાળ-બચ્ચાઓ સાથે રોજીરોટીની શોધમાં નીકળી ગયા છે. હાલ ગામડાઓ ખાલી જોવા મળે છે. તાલુકાના મોટાભાગના લોકો પરાવલંબી જીવન જીવી રહ્યા છે તેવા લોકોને વિકાસની તકો ઊભી કરી સ્વાવલંબી જીવન જીવવા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.તાલુકામાં સ્થાનિક જગ્યાએ રોજગારીની તકો ઉભી કરવામાં આવેતો શ્રમિકોને સ્થાનિક જગ્યાએ રોજગારી મળી રહે સાથે તાલુકાનો પણ વિકાસ થઈ શકે. પરંતુ જરૂર છે માત્ર આયોજનની.

    ફતેપુરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કરવા માટે ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.જેમાં કેટલીક ગ્રામ પંચાયતોને બાદ કરતા મોટાભાગની ગ્રામ પંચાયતો દ્વારા માત્ર બોર મૂકવા પાછળ આ ગ્રાંટના નાણાં વેડફી નાખવામાં આવે છે.ત્યારે ચાલુ વર્ષે તેનું પુનરાવર્તન થાય નહીં તે જોવાની જવાબદારી તાલુકા-જિલ્લા તંત્રની છે.અગાઉના વર્ષોમાં કરવામાં આવેલ બોર પાછળનો ખર્ચ મોટાભાગે નિષ્ફળ નીવડ્યો હોવાનું જોવા મળે છે કારણ કે હાલમાં મોટાભાગના બોર કાર્યરત નથી.ત્યારે ગ્રામીણ વિસ્તારો માટે ફાળવવામાં આવેલ ગ્રાંટના નાણાનો ઉપયોગ ગામડાઓના અન્ય વિકાસ કામો પાછળ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી જણાય છે.

error: Content is protected !!