Wednesday, 11/12/2024
Dark Mode

તહેવારનો ઉત્સવ માતમમાં ફેરવાયો:ફોરવહીલ ગાડીની અડફેટે બાઈક ચાલક પોલીસ જવાનનું મોત

તહેવારનો ઉત્સવ માતમમાં ફેરવાયો:ફોરવહીલ ગાડીની અડફેટે બાઈક ચાલક પોલીસ જવાનનું મોત

દાહોદ શહેરના પડાવ ઓવરબ્રિજ પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલી ફોરવહીલ ગાડીએ મોટર સાયકલ પર સવાર પોલીસ જવાનને અડફેટે લેતા પોલીસ જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ખારવા સડક ફળિયાના રહેવાસી અને દાહોદ રૂલર પોલીસના જેકોટ આઉટ પોસ્ટમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુભાષ કનુભાઈ ભાભોર ગતરોજ સાંજના 6 વાગ્યાના સુમારે પડાવ ઓવરબ્રિજ હોટલ અભિલાષા પાસેથી પોતાની મોટરસાઇકલ લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે પુરઝડપે આવતી જીજે.20.એન.4336 મહિન્દ્રા સુપેરા ફોરવહીલ ગાડીના ચાલકે મોટરસાઈકલને અડફેટે લેતા સુભાષભાઈ ફંગોળાઈ જમીન પર પટકાઈ ગયા હતા.અને તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.આ ઘટના બાદ ગાડીનો ચાલક વાહન ઘટના સ્થળે મૂકી નાસી છૂટ્યો હતો.ત્યારે ઘટના સંબંધી જાણકારી દાહોદ ટાઉન પોલીસ તેમજ રૂરલ પોલીસ મથકે થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ફોરવહીલ ગાડીને કબ્જે લઇ લીધી હતી. અને મૃતક સુભાસના શબને પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.જ્યાં પરિજનોના હૈયાફાટ રુદન થી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ બનાવ સંદર્ભે મરણજનાર પોલીસ કોન્સ્ટેબલ સુભાષના પિતા કનુભાઈ ઉકારભાઈ ભાભોરે દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફોરવહીલ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!