બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉમેદવારોને તાકીદ*
*પી.આઈ. પી.એ. જાડેજા અને પી.એસ.આઇ જે. કે. રાઠોડની હાજરીમાં તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે આચારસંહિતા અંગે ચર્ચા કરવામાં આવી*
સુખસર,તા.21

ફતેપુરા તાલુકામાં આગામી ચૂંટણી અને ત્યારબાદની મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.જેના ભાગરૂપે આજે ફતેપુરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં પી.આઈ. પી.એ. જાડેજાના અધ્યક્ષસ્થાને અને પીએસઆઇ જે. કે. રાઠોડની હાજરીમાં તમામ રાજકીય પક્ષોના તથા અપક્ષ ઉમેદવારોની એક મહત્વની બેઠક યોજાઈ હતી.
તમામ પક્ષોના ઉમેદવારોની ઉપસ્થિતિ
આ બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ચૂંટણી લડી રહેલા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પોલીસ વિભાગ દ્વારા લોકશાહીના આ પર્વને કોઈપણ જાતના વિઘ્ન વગર પૂર્ણ કરવા માટે ઉમેદવારોનો સહયોગ માંગવામાં આવ્યો હતો.આચારસંહિતા અને મતગણતરી અંગે કડક સૂચના
પી.આઈ. પી.એ. જાડેજાએ બેઠકમાં ઉપસ્થિત ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે,આચાર સંહિતા ચૂંટણી પ્રચાર અને મતદાન દરમિયાન આચારસંહિતાનો ક્યાંય પણ ભંગ ન થાય તેની ખાસ તકેદારી ઉમેદવારોએ રાખવી પડશે.મતગણતરીના દિવસે પરિણામ ગમે તે આવે,પરંતુ કોઈપણ પ્રકારના વિજય સરઘસમાં ઉત્તેજના ન ફેલાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે.તેમજ મત ગણતરી કેન્દ્રની આસપાસ બિનજરૂરી ભીડ એકઠી ન કરવા અને પોલીસને તેની કામગીરીમાં પૂર્ણ સહકાર આપવા તાકીદ કરવામાં આવી હતી.
ઉમેદવારોની રજૂઆતોનું નિરાકરણ
આ બેઠક દરમિયાન વિવિધ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. પી.આઈ. જાડેજા અને પીએસઆઇ રાઠોડે તમામ ઉમેદવારોની રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને ખાતરી આપી હતી કે પોલીસ તંત્ર સંપૂર્ણ તટસ્થ રહીને કડક સુરક્ષા વ્યવસ્થા જાળવશે.કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી હતી.ફતેપુરા પોલીસની આ પહેલને ઉમેદવારોએ પણ આવકારી હતી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
