સંતરામપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા ‘સાયક્લોથોન જનજાગૃતિ રેલી’ યોજાઈ

Editor Dahod Live
2 Min Read

સંતરામપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા ‘સાયક્લોથોન જનજાગૃતિ રેલી’ યોજાઈ:

બિનચેપી રોગો સામે લડવા અને સ્વસ્થ સમાજ નિર્માણનો સંકલ્પ

ઈલ્યાસ શેખ: સંતરામપુર

સંતરામપુર, ૧૯ 

સંતરામપુર તાલુકામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા એક પ્રશંસનીય પહેલના ભાગરૂપે ‘સાયક્લોથોન જનજાગૃતિ રેલી’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દામા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં નિયમિત સાયકલિંગ પ્રત્યે રુચિ વધારવી, બિનચેપી રોગો (NCDs) સામે જાગૃતિ લાવવી અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો હતો.

 

 

જેમાં કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાયકલ ચલાવવાના આરોગ્યલક્ષી, આર્થિક, સામાજિક અને પર્યાવરણીય ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં નિયમિત સાયકલિંગ એ સ્વસ્થ જીવન જીવવા માટેનું સૌથી સરળ, સસ્તું અને અત્યંત અસરકારક માધ્યમ છે.સાથે રોજિંદા જીવનમાં સાયકલિંગનો સમાવેશ કરવાથી નીચેના ગંભીર બિનચેપી રોગોના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. જેના પગલે હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટે છે,ટાઈપ-૨ ડાયાબિટીસ અને સ્થૂળતા (વધારે વજન) નિયંત્રણમાં રહે છે,માનસિક તણાવ (સ્ટ્રેસ) અને ડિપ્રેશનમાંથી મુક્તિ મળે છે,સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત બને છે તેમજ શરીરની એકંદર કાર્યક્ષમતા અને સહનશક્તિમાં વધારો થાય છે.જોકે નિષ્ણાતોની સલાહ મુજબ જો કોઈ વ્યક્તિ આ રોગોથી પહેલેથી પીડાતી હોય, તો ડૉક્ટરની યોગ્ય સલાહ મુજબ નિયમિત સાયકલિંગ કરવાથી બ્લડ પ્રેશર અને શુગર લેવલ કંટ્રોલમાં રહે છે, હૃદય-ફેફસાંની ક્ષમતા સુધરે છે અને તણાવમુક્ત થઈને સારી ઊંઘ આવે છે. જોકે એટલું જ નહીં આરોગ્ય ઉપરાંત, સાયકલના ઉપયોગથી ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ખર્ચમાં સીધી બચત થાય છે, જે આર્થિક રીતે ફાયદાકારક છે. સાથે જ તેનાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થતાં પર્યાવરણનું પણ જતન થાય છે. ત્યારે આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને દરરોજ સાયકલ ચલાવવાનો અને સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. સાથે સાથે “દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ સાયકલ ચલાવો – હૃદયને સ્વસ્થ રાખો, ડાયાબિટીસ-બ્લડ પ્રેશર જેવા રોગોથી બચો, પર્યાવરણનું રક્ષણ કરો અને સ્વસ્થ સમાજના નિર્માણમાં ભાગીદાર બનો.” તેવો સૂત્ર આપવામાં આવ્યો હતો 

Share This Article