ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં એક જ રાતમાં દીપડાએ પાંચ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ: વન વિભાગ સામે રોષ

Editor Dahod Live
3 Min Read

ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં એક જ રાતમાં દીપડાએ પાંચ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ: વન વિભાગ સામે રોષ

સુખસર-ફતેપુરા તાલુકામાં દીપડા દ્વારા બકરાઓનું મરણ કરવામાં આવે છે છતાં જંગલ ખાતું માનવ જીવની રાહ જોઈ રહ્યા છે?:સ્થાનિકોનો આક્ષેપ

રિપોર્ટર:બાબુ સોલંકી સુખસર

સુખસર,તા.30

ફતેપુરા તથા સુખસર તાલુકા પંથકમાં જંગલી હિંસક પશુઓ ખોરાક તથા પાણીની શોધમાં માનવ વસ્તી તરફ ઘસી આવતા છેલ્લા કેટલાક સમયથી દીપડાના આતંકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક પ્રાણીઓની અવર જવર વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે દીપડાએ રહેણાંક વિસ્તારમાં ત્રાટકી એકજ રાતમાં ૫ બકરીઓનું મારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ભાઈનો માહોલ ફેલાયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાટવેલ ગામમાં રાત્રી દરમિયાન એક હિંસક પ્રાણીએ ઘરમાં બાંધેલી બકરીઓ પર હુમલો કર્યો હતો.આ હુમલામાં એક જ પરિવારની 4 બકરીઓ તથા પડોશીના ઘરની 1 બકરી મળી કુલ 5 બકરીઓનું મોત નિપજાવી જંગલી પશુ ભાગી ગયું હતું.સવારે પશુપાલકોએ લોહી લુહાણ હાલતમાં મૃત બકરીઓ જોતા દુઃખ અને ભયની લાગણી ફેલાઈ જવા પામી હતી.

       

આ ઘટનાને કારણે ગરીબ પશુપાલકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે,બકરીઓ જ તેમની આવકનું મુખ્ય સાધન હતી. અને એકસાથે 5 બકરીઓના મારણથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.જોકે અગાઉ આપ તળાઈ ગામમાં પણ દીપડાએ બકરા ઉપર હુમલો કર્યો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ આપતળાઈ ગામમાં પણ દીપડાએ પશુઓ પર હુમલો કર્યો હતો.સતત બની રહેલી આ ઘટનાઓ છતાં વન વિભાગ દ્વારા હજુ સુધી દીપડાને પકડવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું જાણવા મળે છે.ગ્રામજનોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે,અગાઉની ઘટનાઓ બાદ પણ વિસ્તારમાં પાંજરું ગોઠવવાની કે પેટ્રોલિંગ વધારવાની કામગીરી હાથ ધરાઈ નથી.શું કોઈ માનવ જીવ જશે ત્યારે જ વન વિભાગ જાગશે?તેવા ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે.

ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે,વારંવાર દીપડાના હુમલાઓ છતાં તંત્ર ગંભીર નથી. શું કોઈ મનુષ્યનો જીવ જશે ત્યારે જ વન વિભાગ જાગશે? કે પછી સમયસર બકરાનું મારણ કરતા હિંસક જંગલી પશુને પકડી યોગ્ય સ્થળે ખસેડવામાં આવશે?

     હાલ પાટવેલ સહિત આસપાસના ગામોમાં રાત્રિના સમયે લોકોમાં ભારે ભયનો માહોલ છે. લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઈ દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવા,વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તેમજ નુકસાનગ્રસ્ત પશુપાલકોને વળતર ચૂકવવાની માંગ ઉઠાવી રહ્યા છે.

Share This Article