રાહુલ ગારી :- ગરબાડા
અભલોડ ગામે લગ્ન જમણવાર બાદ ૨૩૮ લોકોને ખોરાકી ઝેર,આરોગ્ય તંત્ર દોડતું થયું
કેરીના રસ-પનીરના શાક તેમજ ખોપરાપાક પર શંકા;નમૂના લેબમાં મોકલાયા.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી, ૭-૮ દર્દીઓ હજુ ઓબર્ઝવેશનમાં..
દાહોદ તા.૨૧

ગરબાડા તાલુકાના અભલોડ ગામે ગઈકાલે લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ ૨૫૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રાત્રીના સમયેજ દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં જે લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તેમાં મોટાભાગના લોકોને સ્થાનીક પીએચસી તેમજ હાજર ડોક્ટરો તેમજ પેરા મેડીકલ સ્ટાફ દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી.

આ સાથે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ૫૦થી વધુ લોકોને અલગ અલગ વાહનો મારફતે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. આ સિવાય દાહોદની ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર માટે મોકલામાં આવ્યાં હતાં. આ ઘટનામાં કેરીનો રસ અને પનીરના શાકના કારણે આ ઘટના સર્જાઈ હોવાની આશંકાઓ વચ્ચે આજે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાણી, દાળભાત, પુરી અને કેરીના રસના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.

જાેકે, ક્યાં ખોરાકના લીધે લોકો બીમાર પડ્યાં છે તેનું સાચુ કારણ બહાર આવશે. હાલ આરોગ્ય વિભાગની ૮થી ૧૦ ટીમોમાં ૫૦થી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વધુ ટીમો દ્વારા ગામમાં ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે છેલ્લા આંકડા મુજબ ૨૩૮ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હોવાની પુષ્ટિ થઈ છે. આ સિવાય આજરોજ સાંજના ૬ વાગ્યા સુધીમાં ૦૭ જેટલા લોકો આજે પણ દવાખાનામાં તબીબોની ઓબર્ઝવેશનમાં સારવાર લઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળમાં ભરત રાઠોડ નામક વ્યક્તિના છોકરાના લગ્ન પ્રસંગમાં જમણવાર રાખવામાં આવ્યું હતું જેમાં ૧૦૦૦થી વધુ આમંત્રિત મહેમાનો દ્વારા જમણવાર કરવામાં આવ્યું હતું. સાંજના ૬ વાગ્યે શરૂ થયેલા જમણવારમાં શાક,પુરી, દાળભાત, કેરીનો રસ તેમજ ખોપરા પાક તથા પાપડ સહિતના વ્યંજન આરોગ્યા બાદ રાત્રીના અગીયાર વાગ્યાના આસપાસ એકપછી એક લોકોને ખોરાકી ઝેરની અસર થતાં ઝાડા, ઉલ્ટી સહિત પેટમાં દુ:ખાવા સહિતની ફરિયાદો કરતાં રીતસરના દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

ગામના લોકો દ્વારા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ તેમજ ખાનગી વાહનો દ્વારા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં એકલા ઝાયડસ હોસ્પિટલમાં ૫૦થી વધુ લોકોને સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં જેમાં ૧૦ લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી હતી. આ સિવાય મોટાભાગના લોકોને ગામના પીએચસી સેન્ટર તેમજ પેરામેડીકલ સ્ટાફ દ્વારા સ્થળ પર સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સિવાય કેટલાંક લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઘટનાની જાણ થતાં તાબડતોડ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને જમણવારમાં બનાવેલ વ્યંજનોના સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. આ સિવાય આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પણ સવારે ગામમાં માસ લેવલ પર એટલે કે, ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ પાણીના સેમ્પલ પણ કલેક્ટ પણ કરવામાં આવ્યાં હતાં સાથે જે લોકોને આંશિક અસર હતી તે લોકોને સ્થળ પર ટીમો દ્વારા જરૂરી દવાઓ તેમજ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ક્યાં ખોરાકના લીધે લોકો બિમાર પડ્યાં હતાં તે અંગેની અસંમજસની વચ્ચે સાચુ કારણ જાણવા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલની રાહ જાેવામાં આવી રહી છે. આ રિપોર્ટ આવ્યાં બાદ આ ઘટના ક્યાં કારણોસર બની તે અંગેનું સ્પષ્ટતા થશે. રાત્રીના બનેલી આ ઘટનામાં સદ્ભાગ્યે હજી સુધી કોઈ જાનહાની થવા પામી નથી.
*આરોગ્ય વિભાગની ૮-૧૦ ટીમો તૈનાત કરાઈ,૭-૮ હજુ ઓબર્ઝવેશનમાં:CDHO ઉદય ટીલાવત*
અભલોડ ગામે બનેલી ઘટનામાં અમારી આરોગ્ય વિભાગની ૮થી ૧૦ ટીમો દ્વારા આ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. પ્રાથમીક અનુમાન અનુસાર, કેરીનો રસ, પનીરનું શાક અથવા તો કોપરા પાક આ ત્રણમાંથી કોઈ એક વ્યંજનના કારણે ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું લાગી રહ્યું છે. હાલ તમામ લોકોની પરિસ્થિતિ સુધારા પર છે. મોટાભાગના લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યાં છે. આ ઘટનામાં સવાર સુધીમાં ૨૩૨ અને આજે ૪ વાગ્યા સુધીમાં વધુ ૬ મળી કુલ ૨૩૮ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાંથી મોટાભાગના લોકોને સમયસર સારવાર મળી રહેતાં તેઓ સ્વસ્થ્ય થયાં છે અને તેઓને રજા આપી દેવામાં આવી છે. હાલ ઝાયડસ હોસ્પિટલમાં પાંચ અને ખાનગી હોસ્પિટલમાં બેથી ત્રણ મળી કુલ ૭થી ૮ લોકો તબીબેના ઓબર્ઝવેશનમાં સારવાર લઈ રહ્યાં છે.
