સુખસર તાલુકાના લખણપુર ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બંગાળી બોગસ તબીબને દાહોદ એસ.ઓ.જી પોલીસે ઝડપ્યો
લખણપુર ગામે ચાલતા બોગસ તબીબના દવાખાના માંથી મેડિકલને લગતી સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ રૂપિયા 49,006 ના મુદ્દા માલ કબજે કર્યો
રિપોર્ટર:બાબુ સોલંકી, સુખસર
સુખસર,તા.12
સુખસર તાલુકાના લખણપુર ગામે પરપ્રાંતીય બોગસ તબીબ ગ્રામ્ય વિસ્તારની ભોળી જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહેલ હોવાની દાહોદ જિલ્લા એસ.ઓ.જી શાખાને ચોક્કસ બાતમી મળતા શનિવારના રોજ એસ.ઓ.જી પોલીસ દ્વારા લખણપુર ગામે રેઇડ કરતા બોગસ તબીબના દવાખાનામાંથી મેડિકલને લગતી સાધન સામગ્રી તથા દવાઓ મળી આવતા તેની ધરપકડ કરી દવાઓ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર પંચમહાલ રેન્જના મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વીધી ચૌધરી તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ના ઓએ જિલ્લામાં તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી.જે અનુસંધાને એ.સો.જી પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે.રાણા ના ઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.યુ જોશી એસ.ઓ.જી શાખાના પોલીસ કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન આ.પો.કો રાજેન્દ્રકુમાર મનસુખભાઈના ઓને બાતમી મળેલ કે,સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લખણપુર ગામમાં આવેલા ભાડાના મકાનમાં એક બોગસ તબીબ મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર નહીં હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે.તેવી સચોટ બાતમી મળેલ.
જે આધારે એસ.ઓ.જી દાહોદ ટીમ દ્વારા સ્થળ ઉપર રેઇડ કરતા હકીકત વાળો ઈસમ પ્રાંજલ અસીત જાતે મંડલ,( ઉંમર વર્ષ 20 )ધંધો. મેડિકલ પ્રેક્ટિસ,રહે.ઉત્તરદતા પારા પો.મોલ્લા બેલીયા જિલ્લો નદીયા, પશ્ચિમ બંગાળ હાલ રહે.ઝાલોદ બસ સ્ટેશન સામે,માળીની વાડીની બાજુમાં,તા.ઝાલોદ,જિ.દાહોદ વાળો ક્લિનિકમાં દર્દીઓની સારવાર કરતો મળી આવેલ.જેથી મેડિકલ ઓફિસરને સ્થળ ઉપર બોલાવી જગ્યાની તપાસ કરતા કિંમત રૂપિયા- 49,0006 ની જુદા-જુદા પ્રકારની દવા,ગોળી,બોટલો,ઇન્જેક્શનનો તથા અન્ય મેડિકલ દવા સારવાર કરવાના સાધન સામગ્રી મળી આવેલ.જે કબજે લઈ સદર હું ઈસમ વિરુદ્ધ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા-2023 ને કલમ 125 તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના એક્ટ-1963 ની કલમ 30,33 મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
