લીમડીની રથયાત્રા પહેલા ગજરાજ ‘લક્ષ્મી’નું અગમ્ય કારણોસર નિધન.!
રથયાત્રામાં જોડાય તે પહેલાં વહેલી સવારે ઘટના; આયોજકો અને ભાવિકોમાં શોકની લાગણી
દાહોદ, તા. 16

દાહોદ જિલ્લાના લીમડી ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવા માટે લાવવામાં આવેલા ‘લક્ષ્મી’ નામના ગજરાજનું વહેલી સવારે અગમ્ય કારણોસર નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. ગજરાજ રથયાત્રામાં જોડાય તે પહેલાં જ આ દુઃખદ ઘટના બનતા રથયાત્રા સાથે સંકળાયેલા આયોજકો, મહાવત તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી મુજબ ગજરાજ ‘લક્ષ્મી’ને રથયાત્રામાં ભાગ લેવા માટે લીમડી લાવવામાં આવ્યો હતો. જોકે વહેલી સવારે તેની તબિયત બગડતાં તેનું નિધન થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.હાલમાં ગજરાજના નિધનનું ચોક્કસ કારણ જાણવા તંત્ર દ્વારા વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી કાનૂની અને પ્રાથમિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે.
આ દરમિયાન આયોજકો દ્વારા ગજરાજની દફનવિધિ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, જ્યાં દફનવિધિ કરવામાં આવશે તે સ્થળે ભગવાન શ્રી ગણેશજીનું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે.લીમડીમાં બનેલી આ દુઃખદ ઘટનાને પગલે રથયાત્રાના ભક્તિમય માહોલમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું અને ભાવિકોએ ગજરાજ ‘લક્ષ્મી’ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
