સુખસર તાલુકામાં ત્રણ માસ ઉપરાંતથી વૃદ્ધ પેન્શન યોજનાની સહાયથી વંચિત વૃદ્ધ લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

Editor Dahod Live
3 Min Read

સુખસર તાલુકામાં ત્રણ માસ ઉપરાંતથી વૃદ્ધ પેન્શન યોજનાની સહાયથી વંચિત વૃદ્ધ લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

વૃદ્ધ પેન્શન યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓએ કેવાયસી કરાવ્યા બાદ પણ મહિનાઓ સુધી સહાયના નાણાં નહીં આવતા હોવાનો આક્ષેપ

રિપોર્ટર:બાબુ સોલંકી,સુખસર

સુખસર,તા.9

વૃદ્ધાવસ્થાએ પહોંચેલા અને સાઇઠ વર્ષથી વધુ ઉંમર અને બીપીએલ હેઠળ જીવતા વૃદ્ધ લોકોને સરકાર દ્વારા દર માસે વૃદ્ધ પેન્શન યોજના હેઠળ રૂપિયા એક હજાર સહાય આપવામાં આવે છે.અને તેના દ્વારા મોટાભાગના વૃદ્ધો પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે.કેટલાક અશક્ત લોકોને મહેનત મજૂરી નહીં થતી હોય મુખ્ય આધાર વૃદ્ધ પેન્શનના નાણા એક માત્ર આધાર હોય છે.ત્યારે સુખસર તાલુકામાં છેલ્લા ત્રણ માસ ઉપરાંત થી કેટલાક વૃદ્ધ સહાય મેળવતા લાભાર્થીઓને નાણાં નહીં મળતા મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.

સરકાર દ્વારા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધ લોકોને વૃદ્ધ પેન્શન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.જે અનેક વૃદ્ધો માટે વૃદ્ધાવસ્થાએ જીવન ટકાવી રાખવા અને બે ટંકના રોટલા કાઢવા માટે મહત્વનો ભાગ ભજવે છે.મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના લોકો રોજીરોટીની શોધમાં બહારગામ રહેતા હોય છે. જ્યારે વૃદ્ધ અશક્ત લોકો ઘરે રહેતા હોય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળતા નાણાં વૃદ્ધ લોકો માટે આશીર્વાદ સમાન છે.પરંતુ સુખસર તાલુકામાં અનેક વૃદ્ધ લોકોને ત્રણ માસ ઉપરાંતથી આ સહાયના નાણા નહીં મળતા જે નિયમોનુસાર કેવાયસી કરાવવાનું હોય તે પણ કરાવી દીધેલ હોવા છતાં પોતાના ખાતામાં નાણાં નહીં આવતા વૃદ્ધ અશક્ત લોકો ફતેપુરા-સુખસર તાલુકા કચેરીના અનેક વાર ધક્કા ખાઈ રહ્યા છે.ત્યાંથી માત્ર આશ્વાસનો આપી આપના ખાતામાં નાણાં જમા થઈ જશેના જવાબોઆપવામાં આવે છે.પરંતુ બેંકમાં અનેક વાર પોતાના ખાતામાં વૃદ્ધ પેન્શનના નાણાની તપાસ કરવા જતા નાણા જમા નહીં થતા અનેક વૃદ્ધ અને અશક્ત લોકો ધરમ ધક્કા ખાઈ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનો રોષ ઠાલવી રહ્યા છે. સરકાર દ્વારા વખતોવખત કેવાયસી વિગેરે જે કાંઈ નિયમો અનુસાર આ સહાય મેળવવા માટે કરવી પડતી કાર્યવાહી કરવા છતાં ખાતામાં નાણા નહીં આવતા હોવાનો આક્ષેપ અનેક વૃદ્ધ લોકો કરી રહ્યા છે.

અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,અનેક વૃદ્ધ લોકોને સંતાનો હોવા છતાં તેઓ સેવા ચાકરી કરતા નથી. જ્યારે કેટલાક વૃદ્ધ લોકો નિઃસંતાન પણ હોય છે તેમજ વૃદ્ધાવસ્થાએ પહોંચેલા વૃદ્ધ લોકો મહેનત મજૂરી કરવા પણ અસમર્થ હોય છે.અને તેવા સમયે વૃદ્ધ પેન્શન યોજના દ્વારા મળતા સહાયના બીમારી જેવા સંજોગો હોય કે ભરણ પોષણ માટે વૃદ્ધ પેન્શન યોજનાના નાણા ખૂબજ ઉપયોગી હોય છે.બીજી બાજુ જોઈએ તો અનેક વૃદ્ધ લોકોની ફિંગર આવતી ના હોય આધારકાર્ડ નીકળતા ના હોય અનેક વૃદ્ધ લોકો વૃદ્ધ પેન્શન યોજના થી વંચિત પણ રહી રહ્યા છે.પરંતુ તેવા વૃદ્ધ લોકો સામે જવાબદાર તંત્રો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરતા ના હોય આ યોજનાના નાણાથી અનેક વૃદ્ધ જરૂરિયાતમંદ લોકો બાકાત પણ છે. ત્યારે જવાબદાર વહીવટી તંત્રો તાત્કાલિક ધ્યાન આપે અને જે વૃદ્ધ લોકોને ત્રણ માસ ઉપરાંત થી વૃદ્ધ પેન્શન યોજનાના નાણા ચુકવણી કરવામાં આવેલ નથી તેઓને વહેલી તકે નાણાં ચૂકવી આપવામાં આવે તેવી વૃદ્ધ પેન્શન યોજના હેઠળ લાભ મેળવતા વૃદ્ધ જનોની પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.

Share This Article