જમીન માપણીની અદાવતમાં દંપતી પર હુમલો કરનાર આરોપીને દોઢ વર્ષની કેદ ફટકારતી કોર્ટ.. કાયદો હાથમાં લઈ હિંસા ફેલાવનાર સામે કોર્ટે કડક વલણ દાખવીને સમાજમાં દાખલો બેસાડવા કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો.

Editor Dahod Live
2 Min Read

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

જમીન માપણીની અદાવતમાં દંપતી પર હુમલો કરનાર આરોપીને દોઢ વર્ષની કેદ ફટકારતી કોર્ટ..

કાયદો હાથમાં લઈ હિંસા ફેલાવનાર સામે કોર્ટે કડક વલણ દાખવીને સમાજમાં દાખલો બેસાડવા કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો.

દાહોદ તા.23

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં જેતપુર ગામમાં જમીન માપણી જેવી સામાન્ય બાબતે થયેલી તકરાર હવે કાયદાકીય અંજામ સુધી પહોંચી છે. જેમાં દંપતી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડનાર શખ્સને ઝાલોદ કોર્ટે સજા ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું સામે આવ્યું છે.

 

ઝાલોદના જેતપુર ગામમાં રહેતા સોમાભાઈ ધીરાભાઈ પોતાની માલિકીની સર્વે નંબર 4/2 વાળી જમીનની માપણી કરાવવા માંગતા હતા. જોકે, આ બાબત આરોપી મહેન્દ્રભાઈ મનાભાઈ ડામોરને ખૂંચી હતી. જમીન માપણીની અદાવત રાખીને મહેન્દ્રભાઈએ સોમાભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી તેમને ઝાપટો મારી હતી.

 

ત્યારબાદ, હિંસા પર ઉતરી આવેલા આરોપીએ સોમાભાઈની પત્ની મીરાબેન પર લાકડી વડે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલો એટલો જોરદાર હતો કે મીરાબેનને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું.આ મામલે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ કેસ કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ વી.એસ. મછારે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા. તમામ પાસાઓને ધ્યાને રાખીને ન્યાયાધીશે આરોપી મહેન્દ્રભાઈ ડામોરને કસૂરવાર ઠેરવી કુલ દોઢ વર્ષની સજા અને 1000 નો રોકડ દંડ ફટકાર્યો છે. કોર્ટના આ ચુકાદાથી કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પ્રકરણમાં જમીન માપણી જેવી સામાન્ય બાબતે થયેલી આ હિંસામાં કોર્ટે કડક વલણ દાખવીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે કે કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં.

Share This Article