બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં ભાજપના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ બનતા તાલુકા વહીવટી તંત્રોનો વહીવટ સુધારવા પ્રજાની માંગ*
*કોમ્પ્યુટર યુગમાં ઓનલાઈન સિસ્ટમથી ચલાવતા શાસનનો ગેર લાભ મળતીયા અને તકવાદી તત્વો ઉઠાવતા માલામાલ:ગરીબો ઠેરના ઠેર!*
*ગર્ભથી લઈ સ્મશાન ગૃહ સુધી વ્યાપેલા વ્યાપક ભ્રષ્ટાચારના ભોરિંગ વચ્ચે પીસાતી પ્રજાને પારદર્શક વહીવટ આપવા સ્થાનિક વહીવટી તંત્રોના આંખ આડા કાન કેમ?*
સુખસર,તા.27
ફતેપુરા તાલુકામાં ગરીબ,શ્રમિક અને ખેડૂતો વિવિધ પ્રકારે મુશ્કેલી ઓનો સામનો કરી રહ્યા છે.એક બાજુ અવાર-નવાર આવી પડતો કુદરતનો માર અને બીજી બાજુ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગરીબોની અવગણના પ્રજાને પાછળ ધકેલી રહ્યા છે.છતાં પ્રજા હિંમત નહિ હારતા પોતાની જાત મહેનતથી રોજીરોટી મેળવી રહી છે.ત્યારે ખાસ કરીને પ્રજાની મુશ્કેલીઓ દૂર થાય અને પ્રજા ગરીબી રેખા ઉપર આવે તેના માટે સરકાર પણ કરોડો રૂપિયા ખર્ચ કરી રહેલ છે.પરંતુ કરવામાં આવતો ખર્ચ મળતીયા અને તકવાદી તત્વો ટાંપીને બેઠા હોય તેમ ગરીબોના હકના લાભો ઓહિયા કરી રહ્યા છે.જેનાથી તાલુકા તંત્રો અજાણ નથી પરંતુ મિલીભગતથી આંખ આડા કાન કરતાં તાલુકાનો જે વિકાસ થવો જોઈએ તે થઈ શકતો નથી.જેના લીધે માલદાર લોકો વધુ માલદાર થતા જાય છે જ્યારે ગરીબો વધુ ગરીબાઈની ગર્તામાં ધકેલાતા જતા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે તાલુકા તંત્રનો વહીવટ સુધારવા સરકાર ધ્યાન આપે તે જરૂરી જણાઈ રહ્યું છે.
વિગતે જોઈએ તો ફતેપુરા તાલુકામાં આઝાદીના દાયકાઓ બાદ પણ અનેક પરિવારો ગરીબાઈમાં જીવન વ્યતિત કરી રહ્યા છે.અને બાળ બચ્ચાઓ સાથે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હિજરત કરી મહેનત મજૂરી દ્વારા રોજીરોટી મેળવી રહ્યા છે. તાલુકામાં કેટલાક પરિવારો પાસે હજી સુધી મકાનના ઠેકાણાં ન હોય જર્જરીત મકાનોમાં જીવના જોખમે વસવાટ કરતા હોવાના પણ અનેક દાખલા મોજુદ છે.ત્યારે સરકાર દ્વારા મળતા આવાસ યોજનાના લાભો તેઓ સુધી સ્વતંત્રતાના આઠ દાયકા બાદ પણ કયા કારણોસર પહોંચી શક્યા નથી તે પણ વિચાર માંગતો પ્રશ્ન છે.જોકે આવાસ યોજનાના લાભો મોટાભાગે મળતીયા અને તકવાદી તત્વો ઉઠાવી રહ્યા હોવાના કારણે સાચા આવાસ યોજનાના લાભાર્થીઓ બાકાત રહી જતા હોવાનું કોઈ નકારી શકે તેમ નથી.બીજી બાજુ જોઈએ તો જે ગરીબ લોકોને આવાસ યોજનાનો લાભ મળે છે તેમાં તંત્રના મળતીયા લોકો લાભ અપાવવાના બહાને મોટી રકમ વસુલાત કરી લાભો અપાવવા દલાલો સક્રિય હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે.કહેવાય છે કે, સરકારી જે-તે લાભ મેળવવા સીધે સીધો જે તે લાભાર્થી સુધી લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.પરંતુ હકીકત એ છે કે,જે તે લાભાર્થી એ સીધે સીધો લાભ મેળવવા મળતીયા લોકોના સંપર્ક વિના મળી શકતો નથી તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.
અત્રે નોંધનિય બાબત એ પણ છે કે,પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા વર્ષ-2019 માં જે લાભાર્થીએ ઓનલાઈન કર્યું હોય તેઓને હવે આવાસ યોજનાનો લાભ મળશે તેવું તાલુકા તંત્રના જવાબદારો દ્વારા જાણવા મળ્યું હતું.ત્યારે હાલ જે ખરેખર જરૂરિયાતમંદ આવાસ યોજનાનો લાભાર્થી હોય તે ચાલુ વર્ષે ઓનલાઈન કરે તો તેને કેટલા વર્ષ બાદ લાભ મળી શકે?તે પણ એક સવાલ છે.જોકે કોમ્પ્યુટર યુગમાં ઓનલાઈન સિસ્ટમથી ચલાવતા શાસનનો ગેરલાભ મળતીયા અને તકવાદી તત્વો આસાનીથી ઉઠાવતા હોય માલદાર લોકો વધુ માલદાર અને ગરીબ લોકો ગરીબાઈની ઉંડી ખાઈમાં ધકેલાતા જાય છે.
રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગરીબ શ્રમિક લોકોને રોજગારી માટે એન.આર.જી યોજના અમલમાં મૂકેલી છે.જેના લીધે શ્રમિક લોકો સ્થાનિક જગ્યાએ કામ કરી પોતાની રોજી રોટી મેળવી શકે છે.પરંતુ મોટા ભાગની કામગીરી મશીનોથી કરવામાં આવતી હોય તેમ જ કેટલીક કામગીરી માત્ર કાગળ ઉપર બતાવી બારોબાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચારવામાં આવતો હોવાની તાલુકામાં બૂમો ઊઠવા પામેલ છે. અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,એન.આર.જી યોજના હેઠળ જે લોકો કામગીરી કરે છે તેવા લોકોને મહિનાઓ સુધી ધક્કા ખવડાવાતા હોવાનું અને જવાબદારોનું તરભાનું નહીં ભરાય ત્યાં સુધી આગળની પ્રોસિજર કરાતી નહીં હોવાનું અને કામગીરી પૂર્ણ થયે બિલની રકમ નહીં આપી સીસી મારી અન્યાય પણ કરવામાં આવી રહ્યો છે.જ્યારે તાલુકાના એન.આર.જી યોજનાના જવાબદારોના મળતીયા જે તે લાભાર્થીની જાણ બહાર કામગીરી બતાવી તકવાદી તત્વો કાગળ ઉપર કામગીરી બતાવી લાખો રૂપિયા ઓહિયા કરી રહ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ બની રહ્યા હોવાની તાલુકાની પ્રજામાં ચર્ચા સાંભળવા મળે છે.એક પ્રકારે જોઈએ તો તાલુકામાં માં ના ઉદરથી લઈ સ્મશાન ગૃહ સુધી વ્યાપેલા વ્યાપક ભ્રષ્ટાચારના ભોરિંગ વચ્ચે પીછાતી પ્રજાને પારદર્શક વહીવટ આપવા સ્થાનિક વહીવટી તંત્રો આંખ આડા કેમ કરી રહ્યા છે?તે પણ એક પ્રશ્ન છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ગ્રામ પંચાયતનો ફાળો અતિ મહત્વનો હોય પરંતુ ફતેપુરા તાલુકામાં અનેક ગ્રામ પંચાયતોમાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવેલ છે.અને વહીવટદારોના ભરોસે જ્યારથી વહીવટ સંભાળવામાં આવી રહ્યો છે ત્યાંરથી મોટાભાગના ગામડાઓમાં કોઈપણ પ્રકારના વિકાસ કામો કરવામાં આવેલ નથી.તેમજ વહીવટદારો દ્વારા ચલાવતી ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયા ગ્રાન્ટ પડેલી હોવા છતાં કામગીરી નહીં કરાતા ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. અને જ્યાં વહીવટદારો દ્વારા વિકાસ કામોનો વહીવટ કરવામાં આવ્યો હોય ત્યાં નિયમો અનુસાર કામગીરી કરવામાં આવેલ છે કે કેમ?અને જે પંચાયતોમાં નાણાં પંચની ગ્રાન્ટ જમા હોવા છતાં કામગીરી કરવામાં નહીં આવી હોય તો તે કયા કારણોસર? તેની પણ ઉચ્ચ સ્તરેથી તપાસ થવી આવશ્યક જણાય છે.તાલુકામાં અનેક ગ્રામ પંચાયતોમાં ગેરરીતી આચરવા બાબતની ફરિયાદો ઊઠે છે.પરંતુ તેવી ફરિયાદો ઉપર તાલુકા તંત્ર આંખ આડા કાન કરી મહિનાઓ નો સમય પસાર કરી કસુરવારોને છાવરવાની કોશિશ કરતા હોવાના કિસ્સા પણ બની રહ્યા છે.
ઉપરોક્ત બાબતો એક નમુના સ્વરૂપે છે.પરંતુ તાલુકામાં કોઈપણ સરકારી ખાતામાં અબુધ,ગરીબ પ્રજાને સમય મર્યાદામાં ન્યાય મળે તેવું ભાગ્યે જ બને છે.ત્યારે ભય,ભૂખ, ભ્રષ્ટાચાર દૂર કરવાના નેમ સાથે શાસન ચલાવતા પક્ષ ભાજપની સરકારના શાસનને સ્થિર રાખવામા આડખીલી રૂપ બનતા વહીવટી તંત્રોનો વહીવટ સુધારવા તાલુકાની જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.