દિલ્હીમાં યોજાનાર જનજાતિ સાંસ્કૃતિક સમાગમમાં જોડાવા ગુજરાત પ્રાંતમાંથી 6000થી વધુ લોકો રેલવે દ્વારા રવાના* *દાહોદ જિલ્લા માંથી આશરે 1500થી વધુ લોકો તથા સુખસર વિસ્તારમાંથી અંદાજે બસોથી ત્રણસો થી વધુ લોકો જોડાયા*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*દિલ્હીમાં યોજાનાર જનજાતિ સાંસ્કૃતિક સમાગમમાં જોડાવા ગુજરાત પ્રાંતમાંથી 6000થી વધુ લોકો રેલવે દ્વારા રવાના*

*દાહોદ જિલ્લા માંથી આશરે 1500થી વધુ લોકો તથા સુખસર વિસ્તારમાંથી અંદાજે બસોથી ત્રણસો થી વધુ લોકો જોડાયા*

સુખસર,તા.23

        જનજાતિ સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણ તેમજ જનજાગૃતિના હેતુથી તા. 24 મે 2026ના રોજ લાલ કિલ્લો મેદાન ખાતે યોજાનાર “જનજાતિ સાંસ્કૃતિક સમાગમ” કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત પ્રાંતમાંથી 6000થી વધુ સમાજ જનો રેલવે મારફતે દિલ્હી જવા રવાના થયા હતા.જેમાં દાહોદ જિલ્લામાંથી આશરે 1500થી વધુ લોકો તથા સુખસર વિસ્તારથી અંદાજે 200થી 300 લોકો જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

          ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી સમાજના લોકો ટ્રેન મારફતે દિલ્હી તરફ પ્રસ્થાન કર્યું હતું. રેલવે સ્ટેશનો પર સમાજ જનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.યુવાનો, મહિલાઓ અને વડીલો પરંપરાગત વેશભૂષા સાથે કાર્યક્રમમાં જોડાવા માટે નીકળ્યા હતા.આ રાષ્ટ્રીય સમાગમમાં દેશભરની વિવિધ જન જાતિઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.જેમાં જનજાતિ સંસ્કૃતિ, લોકનૃત્ય,પરંપરાગત વાદ્યયંત્રો અને લોકકલાનું વિશેષ પ્રદર્શન કરવામાં આવશે.કાર્યક્રમ દરમ્યાન લાખોની સંખ્યામાં જનજાતિ સમાજના લોકો એકત્ર થવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ જનજાતિ સમાજની સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવાનો અને સમાજમાં એકતા તથા જાગૃતિ ફેલાવવાનો છે.

           કાર્યક્રમમાં ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.જેનું આયોજન જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

Share This Article