ફતેપુરામાં E-Pharmacy સામે કેમિસ્ટોનો ઉગ્ર વિરોધ,સુખસરમાં પણ મેડિકલ સ્ટોર બંધ* *ફતેપુરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઇન દવાઓના વેચાણ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા મામલતદારને આવેદનપત્ર અપાયું*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરામાં E-Pharmacy સામે કેમિસ્ટોનો ઉગ્ર વિરોધ,સુખસરમાં પણ મેડિકલ સ્ટોર બંધ*

*ફતેપુરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઇન દવાઓના વેચાણ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા મામલતદારને આવેદનપત્ર અપાયું*

સુખસર,તા.21

 ફતેપુરા તથા સુખસરમાં ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે થતા ગેરકાયદેસર દવાઓના વેચાણ (E-Pharmacy) સામે સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.તા. 20 મેના રોજ ફતેપુરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઓનલાઈન દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.વિરોધના ભાગરૂપે ફતેપુરા તાલુકાના તમામ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રાખીને કેમિસ્ટોએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધની અસર સુખસર વિસ્તારમાં પણ જોવા મળી હતી. સુખસરમાં આવેલ શ્રીમાન મેડિકલ સ્ટોર સહિત અનેક મેડિકલ સ્ટોરોએ પણ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખીને આ વિરોધને સમર્થન આપ્યું હતું.

       એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે,ઓનલાઈન પ્લેટફોર્મ પર શિડ્યુલ-H અને શિડ્યુલ-H1 જેવી ગંભીર અસરકારક દવાઓ, એન્ટીબાયોટીક્સ તેમજ નશાકારક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર અથવા ખોટા પ્રિસ્ક્રિપ્શનના આધારે સરળતાથી ઉપલબ્ધ બની રહી છે. જેના કારણે યુવાધન ખોટા માર્ગે દોરાઈ રહ્યું છે.અને સેલ્ફ-મેડિકેશનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે.

       સ્થાનિક કેમિસ્ટોના જણાવ્યા મુજબ ઓનલાઈન મંગાવવામાં આવતી દવાઓની ગુણવત્તા,તેની સાચવણી અને જરૂરી તાપમાન જાળવવાની કોઈ ખાતરી રહેતી નથી. ખાસ કરીને કોલ્ડ ચેઈન મેન્ટેનન્સના અભાવે આવી દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.આ સમગ્ર પ્રક્રિયા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન હોવાનું પણ એસોસિએશને જણાવ્યું હતું.

વર્ષોથી લાયસન્સ મેળવી, સરકારના નિયમોનું પાલન કરીને તથા ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની હાજરીમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવા આપતા સ્થાનિક મેડિકલ સ્ટોર ધારકોની રોજીરોટી પર પણ ઓનલાઈન વેચાણથી ગંભીર અસર પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.

         એસોસિએશને સરકાર સમક્ષ મુખ્ય માંગણી રાખી હતી કે,દેશ અને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ ઓનલાઈન ફાર્મસીઓ અને દવાઓના ડિજિટલ વેચાણને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમોનું કડક પાલન કરાવી જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

          આ આવેદનપત્ર ફતેપુરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ રાજીવ ટી.વ્યાસ (શ્રીજી મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર), ઉપપ્રમુખ સચિન એસ. મુનિ (સચિન મેડિકલ સ્ટોર), સેક્રેટરી ઈરફાન ભાભોર (ઝુબેર મેડિકલ સ્ટોર), ટ્રેઝરર હેમંત અગ્રવાલ (રૂદ્રાક્ષ મેડિકલ સ્ટોર) સહિત તાલુકાના અન્ય મેડિકલ એસોસિએશનના સભ્યોની સહીઓ સાથે મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું.

Share This Article