બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પોલીસ સ્ટેશનમાં પંચમહાલ રેન્જ આઈ.જી વિધિ ચૌધરી દ્વારા મુલાકાત લેવામાં આવી*
*રેન્જ આઈ.જી દ્વારા અરજદારોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સલાહ સુચન કરવામાં આવ્યા*
સુખસર,તા. ૨૦ મે 
પંચમહાલ રેન્જ આઇ.જી વિધિ ચૌધરી દ્વારા સુખસર પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમ્યાન રવિરાજસિંહ જાડેજા,ડીવાયએસપી પટેલ,ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સહિત વિવિધ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.આ સાથે અગાઉ કરવામાં આવેલી અરજીઓ ઉપર સંતોષકારક કાર્યવાહી થઈ છે કે નહીં તેની સમીક્ષા કરવા માટે કુલ 12 અરજદારોને રૂબરૂ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 10 અરજદારો હાજર રહ્યા હતા.હાજર રહેલા અરજદારોની રજૂઆતો આઈજી વિધિ ચૌધરી દ્વારા ધ્યાનપૂર્વક સાંભળી હતી.તેમજ બાકી રહેલા પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. લોકોની સમસ્યાઓને પ્રાથમિકતાથી ઉકેલવા અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવા પર પણ ભાર મૂકાયો હતો.
આ ઉપરાંત રેન્જ આઈજી દ્વારા નવા નિર્માણાધીન પોલીસ હેડ ક્વાર્ટરની પણ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી બાંધકામની ગુણવત્તા, સુરક્ષા અને આવશ્યક સુવિધાઓ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન પોલીસ તંત્રને વધુ જવાબદાર, કાર્યક્ષમ અને જન મૈત્રી બનાવવાના પ્રયાસોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
