રાજેશ વસાવે :- દાહોદ
નકલી અધિકારીનું દાહોદ કનેક્શન.?સુરેન્દ્રનગરમાં નકલી DYSP ઝડપાયો,રાજકોટ રેન્જ IGની ટીમની કાર્યવાહી.!
દાહોદ તા.24

સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી પોલીસ અધિકારી બની લોકો પર રોફ જમાવનાર એક શખ્સને રાજકોટ રેન્જ IGની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પોતાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવી ખોટી ઓળખના આધારે પ્રભાવ ઉભો કરતો હોવાનું સામે આવ્યું છે. સાથે જ પકડાયેલો નકલી પોલીસ અધિકારી દાહોદમાં એલસીબી પીઆઇ તરીકે ઓળખ આપી હોવાનું પણ સામે આવી છે ત્યારે આવી વ્યવસ્થા પકડાયેલો વ્યક્તિનું દાહોદ કનેક્શન બાબતે પણ પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકાના નવાગઢ વિસ્તારનો રહેવાસી સોહિલખાન બિસ્મિલખાન પઠાણ પોતાને પોલીસ અધિકારી તરીકે રજૂ કરતો હતો.આરોપી દાહોદ LCB PI તેમજ ATSના DYSP તરીકે ખોટી ઓળખ આપી લોકોમાં વિશ્વાસ અને દબદબો ઉભો કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.રાજકોટ રેન્જ IGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા ખાતે સુદામડા ચોકડી પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ પોલીસ અધિકારીની ખોટી ઓળખનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોઈ શકે છે.પોલીસે હાલ આરોપીની અટકાયત કરી સઘન પૂછપરછ શરૂ કરી છે. આરોપીએ રાજ્યના કયા વિસ્તારોમાં અને કેટલા લોકોને પોતાની ખોટી ઓળખના આધારે ભોગ બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.મહત્વની બાબત એ છે કે આરોપી દ્વારા દાહોદ LCB PI તરીકે ઓળખ આપવામાં આવતા રાજકોટ પોલીસ દ્વારા દાહોદ પોલીસનો સંપર્ક કરી વિગતો ચકાસવામાં આવી હતી, જ્યાં સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું જાણવા મળે છે.આરોપીના તાર દાહોદ સાથે પણ જોડાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં આરોપીએ કોઈ વ્યક્તિઓને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી છેતર્યા છે કે કેમ તે મુદ્દે પણ તપાસ થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં વધુ તપાસ માટે આરોપીને દાહોદ લાવવામાં આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.
