બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ ટ્રાફિક પોલીસની બેદરકારી? 86 નંબરની ગાડીના બદલે 83 નંબરના માલિકને ઇ-ચલણ મોકલાયું*
*આજ સુધી મારી ગાડી દાહોદ ગઈ જ નથી તો પછી મારી ગાડીનુ ખોટું ચલણ કેવી રીતે બન્યું?: અનિલભાઈ*
સુખસર,તા.23
દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-ચલણ બનાવવામાં ગંભીર બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ થયો છે.રાજસ્થાન પાસિંગની એક કારના માલિકને ખોટું ઓનલાઈન ચલણ મોકલાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ,ગાડી નંબર RJ-03.UA-6983 ના માલિક અનિલભાઈને પાર્કિંગ નિયમોના ઉલ્લંઘન બદલ રૂપિયા 500 નું ઇ-ચલણ મોકલવામાં આવ્યું હતું. આ ચલણમાં સ્થળ તરીકે દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પરંતુ વાહન માલિકના જણાવ્યા અનુસાર ઓનલાઈન ચલણમાં દર્શાવાયેલા ફોટા અને વિગતોમાં મૂળ વાહનનો છેલ્લો નંબર “86” હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જ્યારે “83” નંબરની ગાડીના માલિકને દંડ ભરવા માટે ચલણ મોકલવામાં આવ્યું છે. જેના કારણે દાહોદ ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
વાહન માલિક અનિલભાઈએ જણાવ્યું હતું કે, “આજ સુધી મારી ગાડી દાહોદ ગઈ જ નથી.તો પછી મારી ગાડીનું ખોટું ચલણ કેવી રીતે બન્યું?” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચલણમાં દર્શાવાયેલ ફોટો તેમની ગાડીનો નથી.છતાં તેમની ગાડીના નંબર પર દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને અનિલભાઈએ દાહોદ ટ્રાફિક પોલીસ સમક્ષ યોગ્ય તપાસ કરી ખોટું ઇ-ચલણ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.સાથે જ ઇ-ચલણ બનાવતી વખતે વાહન નંબર,ફોટા અને અન્ય વિગતોની ચોક્કસ ચકાસણી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.સ્થાનિકોમાં પણ આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે.લોકોનું કહેવું છે કે,આવી બેદરકારીના કારણે નિર્દોષ વાહન માલિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.હવે જોવાનું એ રહેશે કે દાહોદ ટ્રાફિક પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે?અને ખોટું ચલણ રદ કરવામાં આવે છે કે નહીં?.
