ફતેપુરાના પોલીસ સ્ટેશન રોડ ઉપર ગોકળ ગાયની ગતિએ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું ગટર લાઈનની કામગીરી*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરાના પોલીસ સ્ટેશન રોડ ઉપર ગોકળ ગાયની ગતિએ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું ગટર લાઈનની કામગીરી*

*સ્થાનિક રહીશો,રાહદારીઓ તથા વાહન ચાલકો અવર-જવરમાં ભારે મુશ્કેલી પડતા તંત્ર સામે આક્રોશ*

સુખસર,તા.24

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ફતેપુરા નગરમાં લોકોના ઘરની બિલકુલ આગળ ગટર લાઈન માટે મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે. આ ખાડાઓમાં લોખંડના સળિયા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.જે રાત્રિના સમયે કે નાના બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.આ કારણે અવર-જવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

જ્યારે સ્થાનિકો આ અંગે રજૂઆત કરવા ગ્રામ પંચાયતના સરપંચ પાસે પહોંચ્યા હતા ત્યારે સરપંચે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોવાનો આક્ષેપ રહીશો લગાવી રહ્યા છે. અને સરપંચે જણાવ્યું કે આ ગટરનું કામ તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી અને તે R&B (માર્ગ અને મકાન વિભાગ) હસ્તક આવે છે.આ અંગે ટેલિફોનિક વાતચીતમાં સરપંચ પ્રવીણ ભાઈએ જણાવ્યું હતું કે,તેમણે કોન્ટ્રાક્ટરને કામ શરૂ કરવા માટે કહ્યું છે અને આવતીકાલથી કામ ચાલુ થઈ જશે. જોકે, કોન્ટ્રાક્ટર વિવિધ બહાના કાઢી રહ્યો છે.

માર્ગ અને મકાન વિભાગના મયંક સંગાડાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે,મજૂરોની કમી છે અને ડીઝલ પણ મળતું નથી. તેમણે ઉમેર્યું કે ગયા અઠવાડિયે લગભગ કામ ચાલુ કરાયું હતું અને 20-25 મીટર જેટલું કામ પૂર્ણ થયું છે. મજૂરો મળી જાય તો કામ ફરી શરૂ થઈ જશે.સ્થાનિકોની માંગ છે કે ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી આ અધૂરી ગટર લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. જો કામ ઝડપથી પૂરું નહીં થાય તો આગામી દિવસોમાં અહીં રોગચાળો અને મોટા અકસ્માતો સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે.

Share This Article