બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સુકી નદી ઉપર બનાવવામાં આવેલ નવીન પુલમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા અકસ્માતનો ભય*
*સૂકી નદીના પુલ ઉપર ખાડા પડી સળિયા બહાર આવી જતા ટુ વ્હીલર વાહનો સ્લીપ ખાય છે:મોટી જાનહાની ની રાહ જોતું વહીવટી તંત્ર*
*સુખસર ખાતે આવેલ પુલ તથા સુખસરથી ઝાલોદ જતો હાઇવે માર્ગ એક વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી તંત્રની પ્રમાણિકતાનું પ્રમાણ આપી રહ્યો છે?*
સુખસર,તા.26
સંતરામપુર થી સુખસર થઈ ઝાલોદ જતા માર્ગની ગત એક વર્ષ અગાઉ લગભગ 18 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કામગીરી કરવામાં આવી હતી.જ્યારે હાલ સુખસર થી લખણપુર સુધીની નવીનીકરણ કરવામાં આવેલ કામગીરી વહીવટી તંત્રની પોલ છતી કરી રહ્યો છે.તેમાં સુખસર ગામમાં દ્વિમાર્ગીય રસ્તાની વચ્ચે બનાવવામાં આવેલ મોટાભાગના ડીવાઈન્ડર તૂટી ચૂક્યા છે.અને તેના લીધે ક્યારેક અકસ્માત પણ થાય છે. જ્યારે સુખસર ગામ થી પસાર થતી સુકી નદી ઉપર નવીન પુલ બનાવવામાં આવેલ છે.જે પુલ બનાવ્યે એક વર્ષનો સમય થાય છે.ત્યાંજ પુલની તથા હાઇવે માર્ગની કરવામાં આવેલ કામગીરી તૂટવાની શરૂઆત થતાં વહીવટી તંત્રની પ્રમાણિકતાની પોલ છતી થઈ રહી છે.હાલ સુકી નદી ઉપર બનાવવામાં આવેલ પુલના સળિયાઓ બહાર નીકળી આવ્યા છે.તેમજ પુલ ઉપર ખાડા પડી ગયા હોય તેમાં પાણીનો ભરાવો થાય છે.જેના લીધે આ પુલ વધુને વધુ ક્ષતિ ગ્રસ્ત થતો જાય છે.જેના લીધે ટુ વ્હીલર વાહન ચાલકોના વાહનો સ્લીપ થવાના બનાવો બને છે.જ્યારે મોટા ભારદારી તેમજ પેસેન્જર વાહનને આ પુલના ખાડાઓના લીધે અકસ્માત થાય તો મોટી જાનહાની થવાનો ભય પણ ઉભો થવા પામેલ છે.
જ્યારે આગળ જતા મકવાણાના વરુણા ખાતે પુલ પાસે હાઇવે માર્ગ ઉપર ખાડા પડી ગયા છે.જ્યારે ઘાણીખુટમાં પણ આ હાઇવે માર્ગ ઉપર ખાડા પડવાની શરૂઆત થઈ ચુકી હોય હાઈવે માર્ગને ધ્યાને લઈ આ માર્ગ ઉપર વાહન ચાલક પોતાનું વાહન હંકારે ત્યારે અકસ્માત થવાનો ભય ઊભો થવા પામેલ છે.આ માર્ગ ઉપર દિવસ અને રાત્રિના સમયે નાના-મોટા ભારદારી અને લાંબા રૂટની અનેક એસ.ટી બસોની અવરજવર રહે છે.પરંતુ નવીન હાઇવે માર્ગ ઉપર પડેલા ખાડા તથા ક્ષતિગ્રસ્ત પુલની મરામત કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવતા મોટી જાનહાનિની રાહ જોતું હોય તેમ જણાઈ રહ્યું છે.
નોંધનીય છે કે,સુખસર ખાતે આવેલ સુકી નદીના પુલ ઉપર દાયકાઓ આગાઉ બનાવવામાં આવેલ પુલની નવીનીકરણ કામગીરી માટે જુના પુલને તોડવાની કામગીરી માટે બે જેસીબી મશીન દ્વારા છ દિવસ સુધી કામગીરી ચાલુ રાખી પુલ તોડવામાં આવ્યો હતો.જ્યારે નવીન પુલ તથા હાઇવે માર્ગ માત્ર એક વર્ષની અંદર આપોઆપ તૂટવાની શરૂઆત થાય ત્યારે કોન્ટ્રાક્ટરની આડમાં દાહોદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના જવાબદાર વહીવટી અધિકારીઓ કેટલા પ્રમાણિક છે તે સમજી શકાય તેવી બાબત છે! અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે આ રસ્તાની ચાલતી કામગીરી સમયે રસ્તા તથા પુલની થતી નબળી કામગીરી બાબતે દૈનિક સમાચાર પત્રોમાં સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા.પરંતુ તે પ્રત્યે આંખ આડા કાન થયા હતા.પરંતુ જોકે આ હાઇવે માર્ગ તથા જે પુલ બનાવવામાં કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા હોવાનું કહેવાય છે તે નાણા નથી તો સરકારના કે દાહોદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના પરંતુ આ નાણાં પ્રજાના હતા.અને તેનો દુર ઉપયોગ વહીવટી તંત્રોએ કર્યો હોવાનું ઉડીને આંખે વળગે છે.ત્યારે વહીવટી તંત્ર પોતાની ભૂલ સુધારશે કે પછી ચલતા હૈ નીતિ અપનાવશે?તે સમય જ બતાવશે.