બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના જવેસી સિંચાઈ તળાવની બિસ્માર નહેર દ્વારા વેડફાતા પાણીથી પાટડીયા ગામના ખેડૂતોને હજારોનું નુકસાન
પાટડીયા ગામના ખેડૂત દ્વારા નાની સિંચાઈ નાયબ કાર્યપાલક ઇજનેર ઝાલોદને રજૂઆત:ન્યાય નહીં મળે તો કોર્ટ કેસ કરવાની ચીમકી
તૂટેલી નહેરની રીપેરીંગ કામગીરી તથા ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરાની સાફ-સફાઈના અભાવે ખેતીલાયક ખેતરોમાં પાણી ફરી મળે છે
પાટડીયા ગામના ખેડૂતો દ્વારા નહેરની રીપેરીંગ તથા ઝાડી ઝાંખરા દૂર કરવા વર્ષોથી રજૂઆત છતાં ઝાલોદ નાની સિંચાઈના જવાબદારો કુંભકર્ણની ઊંઘમાં કેમ?
સુખસર,તા.૧૪
ફતેપુરા તાલુકામાં ત્રણ જેટલા સિંચાઈ તળાવ આવેલા છે.જે તળાવો થી કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવા સરકાર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.પરંતુ સિંચાઈ વિભાગના સ્થાનિક જવાબદારો દ્વારા ધ્યાન આપવામાં નહીં આવતા આ સિંચાઈના પાણીથી જેટલા ખેડૂતોને લાભ થાય છે તેનાથી અનેક ગણા ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે.જે બાબતે ઝાલોદ નાની સિંચાઈ વિભાગને અનેકવાર રજૂઆતો કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા કર્મચારીઓ દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.અને ખેડૂતો વર્ષે હજારો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા હોવાનો બળાપો કાઢી રહ્યા છે.છતાં ખેડૂતોની વર્ષોથી પડી રહેલ બુમો સાંભળવા ફરજ નિષ્ઠ અધિકારી આજ દિન સુધી ઝાલોદ નાની સિંચાઈ કચેરીમાં કયા કારણોસર મૂકવામાં આવતા નથી?તેવી ખેડૂતોમાં ચર્ચા સાંભળવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જવેસી સિંચાઈ તળાવથી મારગાળા,પાટડીયા, ખાતરપુરના મુવાડા વિગેરે ગામડાઓમાં સિંચાઈનું પાણી આપવા માટે વર્ષો અગાઉ નહેર નું બાંધકામ કરવામાં આવેલ છે.અને તેના બાંધકામના વર્ષો વિત્યા બાદ બિસ્માર હાલતમાં ઠેક ઠેકાણે તૂટેલી અને ઝાડી ઝાંખરા ઓથી ઢંકાઈ ગયેલી નહેરને નાની સિંચાઈ ઝાલોદના જવાબદારો દ્વારા રીપેરીંગ કામગીરી કરવા કે ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવાની તસ્દી લેવામાં નહીં આવતા હાલ અનેક ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી પાકો લઈ શકતા નથી.અને વર્ષે હજારો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે.જે બાબતે ખેડૂતો દ્વારા અનેકવાર ઝાલોદ નાની સિંચાઈ કચેરીના જવાબદારોને રજૂઆત કરવા છતાં ધ્યાન આપવામાં નહીં આવતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.કેટલાક ખેડૂતો ની ખેતી લાયક જમીનમાં આ બિસ્માર નહેરના કારણે બારેમાસ પાણીનો ભરાવો રહેતા ખેતી નહીં કરી શકતા પોતાની જમીન છોડી બાળ બચ્ચા સાથે હિજરત કરી બહારગામ કાળી મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હોવાનું પણ પાટડીયાના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે.ત્યારે પ્રજાના ટેક્સના નાણાં કે જે આ કર્મચારીઓને હજારો રૂપિયા પગાર રૂપે ચૂકવવામાં આવે છે તે પ્રમાણે આ સરકારી જવાબદારો કામગીરી કેમ કરતા નથી?તે પણ એક સવાલ છે.
ઉલ્લેખનીય છે કે,આગાઉ જવેસી સિંચાઈ તળાવની બિસ્માર નહેર દ્વારા પાટડીયા ગામના ખેડૂતોની ખેતીમાં વેડફાતા પાણી અને ખેડૂતોને થતા નુકસાન બાબતે સમાચાર પત્રોમાં સમાચારો પ્રગટ થતા ઝાલોદ નાની સિંચાઈ કચેરીના કર્મચારી દ્વારા પાટડીયા ગામે સ્થળ તપાસ કરવામાં આવી હતી.ત્યારબાદ પણ આ નહેરની મરામત કામગીરી કે ઝાડી ઝાંખરા દૂર કરવા તસ્દી લેવામાં આવી નથી.અને ખેડૂતો હાલની રવિ સિઝનના ખેતી પાકોથી વિમુખ થઈ રહ્યા છે.ત્યારે ઝાલોદ નાની સિંચાઈ વિભાગના જવાબદારો દ્વારા પાટડીયા ગામના ખેડૂતોને બિસ્માર નહેરના કારણે પડતી મુશ્કેલી દૂર કરવા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ના છૂટકે અમારે ગાંધી સિંધ્યો માર્ગ અપનાવવા અને કોર્ટ કેસ કરવા મજબૂર બનવું પડશે
અમારા પાટડિયા ગામમાં જવેસી સિંચાઈ તળાવની આવતી નહેર વર્ષોથી તૂટી ગયેલી અને ઝાડી ઝાંખરા ઓથી ઢંકાઈ ગયેલી છે.જેના લીધે આ નહેરનું પાણી બારેમાસ અમારા ખેતરોમાં રેલાતા અમો ખેતી કરી શકતા નથી. હાલ મેં બે દિવસ અગાઉ મોંઘા ભાવના ઘઉંનું બિયારણ લાવી ખેતી કરી છે. જેમાં પાણી ભરાઈ જતા મારી કરેલ ખેતી નિષ્ફળ ગઈ છે.અમો અમો વર્ષોથી આ કેનાલના વેડફાતા પાણીથી થતા નુકસાન બાબતે અનેક વાર ઝાલોદ નાની સિંચાઈ કચેરીમાં લેખિત મૌખિક રજૂઆતો કરીએ છીએ.પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જ્યારે હાલ મેં નાની સિંચાઈ નાયબ કાર્ય પાલક સમક્ષ લેખિત રજૂઆત કરી છે.અને વહેલી તકે અમારા ખેતરોમાં વેડફાતું પાણી બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા અને કોર્ટ કેસ કરવા સુધી પગલાં ભરવા મજબૂર બનવું પડશે.
(વિજયસિંહ મડ્યાભાઈ કટારા,ખેડૂત, પાટડીયા સ્થાનિક)