
બાબુ સોલંકી / યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના પીપળીયામાં બુટલેગરની મોટરસાયકલ થી અકસ્માત સર્જાતા એક યુવાનને ઇજા:૩૫ વર્ષીય યુવાનુ ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત
અકસ્માત સર્જાયા બાદ બુટલેગર પોતાના કબજાનો ઇંગલિશ દારૂ તથા મોટરસાયકલ સ્થળ ઉપર મૂકી ફરાર
સુખસર,તા.૨૦
ફતેપુરા તાલુકાના પીપળીયા ગામે આજરોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં માધવાના વતની પીપળીયા મામાના ઘરેથી પરત માધવા જઈ રહ્યા હતા.તેવા સમયે પીપળીયા-માધવાના સીમાડા ઉપર જતા સામેથી એક ઈસમ થેલામાં ઇંગ્લિશ દારૂની બોટલો ભરી પૂરપાટ પોતાના કબજાની મોટરસાયકલને દોડાવી લાવી માધવાના યુવાનોના કબજાની મોટરસાયકલ સાથે ગમખ્વાર અકસ્માત સર્જતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોતની જવા પામેલ છે જ્યારે બીજા યુવાનને શરીરને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે પહોંચાડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના માધવા ગામના બુડાદરા ફળિયાના રહેવાસી અનિલભાઈ વરસીંગભાઇ ડીંડોર ( ઉ.વ.૩૫ )તથા સંગાડા મહેશભાઈ ભીમાભાઇ ( ઉ.વ.૩૨) નાઓ પીપળીયા ગામે મામાના ઘરેથી મોટર સાયકલ ઉપર પરત માધવા જઈ રહ્યા હતા.તેવા સમયે પીપળીયા-માધવા સીમાડા ઉપર જતા સામેથી એક મોટરસાયકલ ચાલક થેલામાં કાંઈક ભરી તેના કબજાની ગાડીને પુરપાટ દોડાવી લાવી અનિલભાઈના કબજાની ગાડી સાથે અકસ્માત સર્જતા અનિલભાઈ તથા મહેશભાઈનાઓ જોશ ભેર રસ્તા ઉપર પટકાયા હતા. જેમાં અનિલભાઈ ડીંડોરને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે મહેશભાઈ સંગાડાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે પાયલોટ રાજપાલસિંહ ચૌહાણ તથા ઇ એમ.ટી લીલાબેન વાગડીયા નાઓ સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્ત મહેશભાઈ સંગાડાને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઝાલોદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે સુખસર પોલીસ દ્વારા મૃતક અનિલભાઈ ડીંડોરની લાશના પંચનામા બાદ લાશના પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવી છે.
નોંધનીય બાબત છે કે,અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક પોતાના કબજાની મોટર સાયકલ ઉપર થેલામાં ઇંગ્લિશ દારૂ ભરી આવી રહ્યો હતો. અને પીપળીયામાં નિર્દોષ મોટરસાયકલ ચાલકોને અડફેટમાં લઈ અકસ્માત સર્જી મોત નીપજાવી પોતાના કબજાની મોટરસાયકલ તથા ઇંગલિશ દારૂ ભરેલો થયેલો મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.