*વિશ્વાસ થી વિકાસ યાત્રા-દાહોદ*
*દાહોદ ખાતે ગ્રામ્ય-શહેરી વિસ્તારનાં સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કાર્યક્રમ દંડક શ્રી રમેશભાઇ કટારાની અધ્યક્ષતામાં યોજાયો*
૦૦૦
રાજેશ વસાવે
*જિલ્લાની ૬૦૦ સ્વ સહાય જૂથોને રૂ. ૬૦૦ લાખની કેશ ક્રેડિટ ધિરાણ મંજૂર, ૨૪૦ સ્વસહાય જૂથોને રૂ. ૭૧.૬૦ લાખનું રીવોલ્વીંગ ફંડ અપાયું*
૦૦૦
*જિલ્લાના ૨૦૦ સ્વ સહાય જૂથોને રૂ. ૨૮૦ લાખનું કૉમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ તથા ૫૦ સ્વસહાય જૂથોને રૂ.૨૫ લાખનું કૉમ્યુનિટી એન્ટર પ્રાઇઝ ફંડનું વિતરણ*
૦૦૦
દાહોદ, તા. ૧૭ : વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત દાહોદના પંડિત દીનદયાલ સભાગૃહ ખાતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયેલા આજના કાર્યક્રમમાં દાહોદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારનાં સખી મંડળોને લોન સહાય અપાઇ હતી. મહાનુભાવોએ મંચ ઉપરથી લાભાર્થી સખીમંડળની મહિલાઓને ચેક વિતરિત કર્યા હતા.
વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત બેન્કોએ ૬૦૦ સ્વ સહાય જૂથોને રૂ. ૬૦૦ લાખની કેશ ક્રેડિટ ધિરાણ મંજુર કરી છે. જે પૈકી મંચ ઉપરથી મહાનુભાવોએ ૧૫૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૫૦ લાખનું લોન ધિરાણના ચેક આપ્યા હતા. આ ઉપરાંત ૨૪૦ સ્વસહાય જૂથોને રૂ. ૭૧.૬૦ લાખનું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું હતું. તેમજ ૨૦૦ સ્વ સહાય જૂથોને રૂ. ૨૮૦ લાખનું કૉમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ તથા ૫૦ સ્વસહાય જૂથોને રૂ.૨૫ લાખનું કૉમ્યુનિટી એન્ટર પ્રાઇઝ ફંડનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે દંડક શ્રી રમેશભાઈ કટારાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મ દિવસ છે ત્યારે આજનો દિવસ મહિલાઓને લૉન સહાય પ્રાપ્ત થાય તેનો નિમિત્ત બન્યો છે. પ્રધાનમંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વમાં દેશમાં વિવિધ યોજનાઓના યોગ્ય અમલીકરણ થકી મહિલાઓએ સમાજમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે અને મહિલાઓ આર્થિક આત્મનિર્ભરતા તરફ આગળ વધી છે.
પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસની સૌને શુભેચ્છા પાઠવતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દાહોદ સહિતના આદિજાતિ વિસ્તારો પ્રધાનમંત્રીશ્રીની કર્મભૂમિ રહ્યા છે ત્યારે દાહોદ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને એ માટે પ્રધાનમંત્રીશ્રીએ વિવિધ યોજનાઓ, વિકાસ કાર્યોની દાહોદને ભેંટ ધરી છે. એક સમયે દાહોદમાં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ જેવી પાયાની બાબતોમાં ઘણું પાછળ હતું. જ્યારે અત્યારે દાહોદ તમામ ક્ષેત્રોમાં વિકસી રહ્યું છે.
ડીઆરડીએ નિયામક શ્રી બી.એમ. પટેલે જણાવ્યું કે, આયોજિત કાર્યક્રમના ભાગરૂપે સ્વસહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટની ફિલ્મ બતાવવામાં આવી હતી. જેના પરિણામે કાર્યક્રમના દિવસે જ સ્વસહાય જૂથની બહેનોને તેમની પ્રોડક્ટ માટે રૂ.૧.૫૦ લાખની ખરીદી માટેનો ઓર્ડર મળ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળ્યું હતું.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી, દાહોદ અને ગરબાડાના તાલુકા પંચાયત અધિકારીશ્રી, અધિકારી શ્રી સુકુમાર ભૂરિયા, બેન્ક મેનેજરશ્રી તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦