બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ફોરેસ્ટ થાણા દ્વારા વર્મી ખાતર કીટ વિતરણમાં અન્યાય થતો હોવાની ખેડૂતોની ઉઠેલી બુમો
સુખસર ફોરેસ્ટ થાણાના જવાબદારો દ્વારા જરૂરિયાત મંદ ખેડૂતોને વર્મી ખાતર કીટ વિતરણ નહીં કરી મળતીયા ઓને ફળવાતી હોવાની ચર્ચા
વર્મી ખાતર કીટ સવારના છ થી સાત અને સાંજના છ થી સાત વાગ્યાના અરસામાં ફાળવણી કરાતા મોટાભાગના ખેડૂતો કીટના લાભથી અજાણ
મળતીયા લોકો ટ્રેક્ટર ડાલા તથા રેકડાઓ ભરી વર્મી ખાતર કીટ મેળવી રહ્યા છે
સુખસર,તા.૧
ફતેપુરા તાલુકામાં હાલ ફોરેસ્ટ ખાતા દ્વારા વિનામૂલ્યે ખેડૂતોને વર્મી ખાતર કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં સુખસર રાઉન્ડ ફોરેસ્ટ થાણા માં આ ખાતર કીટ વિતરણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. તેમાં આ ખાતર કીટના લાભથી મોટાભાગના ખેડૂતો અજાણ છે.જ્યારે ફોરેસ્ટ ખાતાના મળતીયા લોકો દ્વારા ટેમ્પા,ટ્રેક્ટરો ભરી વર્મી ખાતર લઈ જવામાં આવી રહ્યું હોવાની જ્યારે ગરીબ ખેડૂતો આ વર્મી ખાતરના લાભ થી વંચિત રહી જતા હોવાની બુમો ઉઠવા પામેલ છે.ત્યારે સુખસર ખાતે ફોરેસ્ટ ખાતા દ્વારા કેટલા અને કયા કયા ખેડૂતોને વર્મી ખાતરનો લાભ આપવામાં આવ્યો તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.
જાણવા મળેલ વિગતો મુજબ ૫૦-વિકાસશીલ તાલુકા જોગવાઈ- ૨૦૨૩ જિલ્લા આયોજન મંડળ દાહોદ ના સહયોગથી બારીયા વન વિભાગ મહાકાળી આદિજાતિ વિકાસ મંડળ તરફથી ખેડૂતોને વિના મૂલ્યે વર્મી ખાતર કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેનો લાભ ફતેપુરા તાલુકાના સુખસર પંથકના ખેડૂતોને મળે તે હેતુથી સરકાર દ્વારા સુખસર રાઉન્ડ ફોરેસ્ટ થાણામાં આ વર્મી ખાતર ઉતારવામાં આવેલ છે.પરંતુ આ ખાતરથી પંથકના ગણ્યા-ગાંઠ્યા લોકો સિવાય મોટાભાગના ખેડૂતોને સરકાર દ્વારા વિના મૂલ્યે ખાતર કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની કોઈ જાણકારી નથી.જ્યારે થતી ચર્ચા મુજબ જવાબદારોને મળતીયા લોકો ટેમ્પાઓ અને ટ્રેક્ટરો ભરી આ ખાતર આસાનીથી ભરી લઈ જઈ રહ્યા છે! જ્યારે જે લોકો જરૂરિયાતમંદ ગરીબ ખેડૂતો છે તેઓ આ કીટ લેવા આવે છે ત્યારે કિટ ખલાસ થઈ ગઈ હોવાનું ફોરેસ્ટ ખાતાના જવાબદારો દ્વારા જણાવવામાં આવતું હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે,સુખસર રાઉન્ડ ફોરેસ્ટ થાણા દ્વારા આ કિટનું વિતરણ સવારના છ થી સાત વાગ્યા સુધી અને સાંજના છ વાગ્યા બાદ કરવામાં આવતું હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.ત્યારે સુખસર તથા ફતેપુરા ફોરેસ્ટ ખાતાના જવાબદારો એટલા તે કયા કામમાં બીઝી હોય છે કે ઓફિસ સમય પહેલા અને ઓફિસ સમય બાદ ખેડૂતોને વર્મી ખાતર વિતરણ કરવા મહામૂલો સમય ફાળવે છે? તે પણ એક તપાસનો વિષય છે.તેમજ આ વર્મી ખાતર કયા- કયા ખેડૂતને ફાળવવામાં આવેલ છે તેની પણ તપાસ જરૂરી છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસર ખાતે રાઉન્ડ ફોરેસ્ટ થાણું આવેલ છે.તેમ છતાં અહીંયા બારેમાસ તાળા લાગેલા હોય છે.અને સુખસર પંથકનો વહીવટ ફતેપુરાથી ચલાવાય છે. જ્યારે હાલ ખેડૂતોને વર્ગની ખાતર વિતરણ માટે બે દિવસથી સવાર અને સાંજના સમયે કચેરી ખુલે છે અને એકાદ બે કલાક બાદ કચેરીને તાળા વાગી જાય છે અને તેના માટે આ લખનારને વાંધો નથી પરંતુ સરકાર દ્વારા ફાળવવામાં આવતા ખાતરની કીટ માલદાર અને મળતીયા લોકો લઈ જતા હોય અને જરૂરિયાતમંદ બાકાત રહી જતા હોય તે ખેડૂતો સાથે હળ હળતો અન્યાય નથી તો બીજું શું? વર્મી ખાતર કીટ ફાળવણીમાં થતા અન્યાયની ખેડૂતોમાં ચર્ચા થતાં ફતેપુરા રેન્જ ફોરેસ્ટ કચેરીમાં મોબાઈલથી અનેકવાર કોન્ટેક કરવા છતાં જવાબદારો દ્વારા મોબાઈલ રિસીવ કરવામાં આવ્યો ન હતો. જો સરકાર દ્વારા ફરવાયેલ વર્મી ખાતર કીટ ફાળવણીમાં કોઈ અન્યાય કરવામાં આવતો નહીં હોય તો મોબાઈલથી વાત કરવા ફતેપુરા ફોરેસ્ટ ખાતાના જવાબદારો કોના હુકમથી મોબાઈલ રિસીવ કરતા નહીં હોય?ગરીબ ખેડૂતો સાથે તો અન્યાય થાય છે.પણ જાગૃત લોકોએ પણ ચૂપ રહેવાનું..?