લીમખેડા તાલુકાના પાણીયા નજીક પોલીસે બાતમીના આધારે ફોર વહીલર ગાડીમાં અડધા લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપ્યો…
અન્ય એક ઈસમ ફરાર, ત્રણ સામે ગુનો દાખલ..
પોલીસે 66 હજારનો દારૂ તેમજ બોલેરો મળી 3.91 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો..
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામેથી પોલીસે એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે રૂા. ૬૧,૬૮૦ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટકાયત કરી જ્યારે ગાડીમાં સવાર અન્ય એક પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસે બોલેરો ગાડી મળી કુલ રૂા. ૩,૯૧,૬૮૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે પાણીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બોલેરો ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને રોકવાનો પ્રયાસ કરતાં ગાડીનો ચાલક હિતેષભાઈ નરવતભાઈ કટારા (રહે. પ્રતાપપુરા, નિશાળ ફળિયા ફળિયું, તા.લીમખેડા, જિ.દાહોદ) અને તેની સાથેનો અને વિદેશી દારૂ મંગાવનાર સુરેશભાઈ પારસીંગભાઈ ડામોર (રહે. પ્રતાપપુરા, તા.લીમખેડા, જિ.દાહોદ) નાઓ ભાગવાનો પ્રયાસ કરતાં હિતેષભાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે સુરેશભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂનો કુલ બોટલો નંગ.૬૯૬ કિંમત રૂા. ૯૧,૬૮૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૯૧,૬૮૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ઝડપાયેલ ઈસમની અટકાયત કરી પોલીસ મથકે લાવી તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો કોઈકે મંગાવ્યો હતો પરંતુ તેનું નામ જાણતો ન હોવાને કારણે લીમખેડા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————