બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના જવેસી ગામની ૨૧ વર્ષીય યુવતી ગુમ થતાં સુખસર પોલીસમાં જાણ કરાઇ
સુખસર,તા.૨૧
ફતેપુરા તાલુકાના જવેસી ગામની ૨૧ વર્ષીય યુવતી ૨૮ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ સુખસર બજારમાં કપડાં લેવા જવાનું જણાવી ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ કરવા છતાં તેમજ તેના મોબાઇલ ઉપર કોન્ટેક્ટ કરતા સંપર્ક નહીં થઈ શકતા તેમજ આજ દિન સુધી કોઈ પત્તો નહીં લાગતા સુખસર પોલીસ સ્ટેશનમાં ૧ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ ગુમશુદા યુવતીના ભાઈએ લેખિત જાણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જવેસી ગામે રહેતા મોહનભાઈ સરદારભાઈ ભેદીની પુત્રી સોનલબેન(ઉ.વ.૨૧) ગત ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં સુખસર બજારમાં કપડાં લેવા જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા બાદ મહુડી સાંજ સુધી પરત ઘરે નહીં આવતા અને તેની પાસેના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતા તેનો મોબાઇલ બંધ આવતા ઘરના સભ્યોએ આજુબાજુમાં પરિચિતો સહિત સગા સંબંધીઓમાં બાળ મેળવવા છતાં તેનો કોઈ પત્તો નહીં મળતા ૧ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી.તેમ છતાં આજ દિન સુધી ગુમશુદા સોનલબેનની કોઈ ભાળ નહીં મળતા આખરે આજરોજ સુખસર પોલીસ સ્ટેશનમાં સોનલબેન ગુમ થવા બાબતે નોંધ કરી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સોનલબેન ઘરેથી નીકળ્યા તેવા સમયે શરીરે સફેદ કલરમાં લીલા કલરના પાંદડાની ડિઝાઇન વાળો પંજાબી ડ્રેસ પહેરેલ હતો.તેમજ પાતળા બાધાની,શરીરે ઘઉંવર્ણી,મોઢું લંબગોળ,અણીદાર નાક તથા ઊંચાઈ ૫.૨ ઇંચ,ઉંમર આશરે ૨૧ વર્ષ ૮ માસની હોવાની સુખસર પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.આ યુવતીની જે કોઈ વ્યક્તિને ભાળ મળે તેઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.