ઈલિયાસ શેખ :- સંતરામપુર
બોગસ તબીબ ઝડપાયો: ડીગ્રી વગર એલોપેથીક દવા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને મહીસાગર SOG એ ઝડપી પાડ્યો
સંતરામપુર તા. ૧૮
મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનના અંતરીયાળ વિસ્તારમાં ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને આજે મહીસાગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખા દ્વારા ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથીક દવાઓ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
મહીસાગર જીલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરી એલોપેથીક દવાઓ આપી જનતાના સ્વાસ્થ સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ઉચ્ચ અધિકારી દ્વારા સુચના આપતા મહીસાગર એસ ઓ જી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાપસ હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન એસ.ઓ.જી. I/C પી.આઈ. એમ.કે.ખાંટને બાતમી મળી હતી કે સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સીમલીયા ગામના ઘાટીયા ફળીયામાં પ્રાથમીક શાળાની પાછળ મુળ પશ્ચિમ બંગાળનો ઇસમ પ્રશાંત કનૈયાલાલ રાય, હાલ રહેવાસી, ગામ સીમલીયા, સંતરામપુર નો જે કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે, સર્ટીફીકેટ વગર ડોક્ટર તરીકેનુ રૂપધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપોથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફના માણસોને સુચના કરતા સ્ટાફના માણસોએ મેડીકલ ઓફીસર તથા ફાર્માસીસ્ટને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ બોગસ તબીબને ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથીક દવાઓ અંદાજીત રૂપિયા-45153 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંતરામપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે. આગાઉ પણ પોલીસ દ્વારા ડીગ્રી વગરના બોગસ ડોકટરોને દવાઓ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.