બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લાના તાલુકાઓમાં વૃક્ષારોપણ અને વાવેતર સમયનો ઉત્સાહ ઓસરી જતાં તેની માવજત પાછળ ધ્યાન નહીં અપાતા રોપાઓનું થતું બાળ મરણ!
દાહોદ જિલ્લાના તાલુકાઓમાં વર્ષો વર્ષ રાખવામાં આવતા વૃક્ષારોપણના કાર્યક્રમો અને જંગલ વિસ્તારમાં વાવેતર કરાયેલા વૃક્ષો માંથી માત્ર ૧૦ વૃક્ષોની માવજત થઈ હોત તો જંગલ વિસ્તાર હાર્યો ભર્યો હોત!
દાહોદ જિલ્લામાં જંગલોનો નાશ થતાં ઇમારતી લાકડાના વૃક્ષો તથા જંગલી પશુઓ નામશેષ થવાની દિશા તરફ ધકેલાઈ રહ્યા છે
સુખસર,તા.૮
દાહોદ જિલ્લાના તાલુકાઓમાં સરકાર દ્વારા જંગલ વિસ્તારનો વ્યાપ વધારવા વર્ષો વર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તેમ છતાં જંગલ વિસ્તારો વૃક્ષોથી હરિયાળા હોવા જોઈએ તેના બદલે જંગલ વિસ્તાર બોડો થતો જાય છે.અને”વૃક્ષો વાવો, વરસાદ લાવો”ના બેનરો પાછળ કરવામાં આવતો ખર્ચ બચી શક્યો હોત!એક બાજુ જોઈએ તો જુના વૃક્ષોની જંગલ ખાતાના જવાબદારો દ્વારા સાચવણી નહીં થતાં કપાતા જાય છે.બીજી બાજુ નવીન વૃક્ષો પાછળ વર્ષો વર્ષ સરકાર દ્વારા કરવામાં આવતા કરોડો રૂપિયાનો ખર્ચ સાર્થક થયો હોય તેમ જણાતું નથી.ત્યારે જંગલ વિસ્તારો માટે કરવામાં આવતા ખર્ચના નાણાં જાય છે ક્યાં?તે મૂંઝવણ ભર્યો પ્રશ્ન છે.
દાહોદ જિલ્લામાં૧૭૪૧૭ હેક્ટર જમીનમાં વનો પથરાયેલા છે.જિલ્લામાં ૨૩.૪ ટકા વનવિસ્તાર આવેલો છે. જેમાં દાહોદ જિલ્લાના ૬૬૯ ગામમાંથી ૫૫૪ ગામડાઓ વન અચ્છાદિત વિસ્તાર ધરાવે છે.જિલ્લામાં ધાનપુર તાલુકો સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે.જ્યારે ફતેપુરા તાલુકો સૌથી ઓછો વનવિસ્તાર ધરાવતો તાલુકો છે.ફતેપુરા તાલુકામાં ૯૬ ગામો પૈકી ૩૩ ગામો વનવિસ્તાર ધરાવે છે.ફતેપુરા તાલુકામાં ૪૦૬૬ હેક્ટરમાં વનવિસ્તાર ફેલાયેલો છે.જો કે દાહોદ જિલ્લામાં ૧૯૬૧૦ હેક્ટરમાં ફેલાયેલા ધાનપુર તાલુકાના ૯૦ ગામડાઓ માંથી ૮૪ ગામ વનવિસ્તાર ધરાવે છે.આમ સૌથી વધુ વનવિસ્તાર ધરાવતો ધાનપુર તાલુકો જ્યારે સૌથી ઓછો વન વિસ્તાર ધરાવતા ફતેપુરા તાલુકાનો સમાવેશ થાય છે.
ફતેપુરા તાલુકામાં દર વર્ષે અનેક જગ્યાઓ ઉપર વૃક્ષારોપણના કાર્યક્રમો રાખવામાં આવે છે.અને તેમાં વૃક્ષ ઉછેર માટે ઉત્સાહ પણ દાખવવામાં આવે છે.પરંતુ ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવેલ રોપાઓનું જતન કરવામાં આવતું ન હોય મોટાભાગના રોપાઓનું બાળ મરણ થાય છે.જોકે કરવામાં આવેલા વૃક્ષારોપણ અને વાવેતર પૈકી વર્ષમાં ૧૦ ટકા રોપાઓ ઉછેર થતા હોય તો દસ વર્ષમાં તમામ જંગલો હર્યા ભર્યા અને હરિયાળા હોત!છતાં તેવું પણ જોવા મળતું નથી. જેથી વર્ષો વર્ષ એક જ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો રાખી મહાનુભાવો દ્વારા ફોટા પડાવી સંતોષ માની લેવામાં આવે છે.
તેથી કહી શકાય કે વૃક્ષારોપણનો કાર્યક્રમ માત્ર એક દેખાડા ખાતર કરવામાં આવતો હોય તેમ સાબિત થાય છે.
જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી જુના વૃક્ષો વિરપ્પનો દ્વારા તસ્કરી થતા સાગ,સાલ,સીસમ જેવા ઈમારતી લાકડાંના વૃક્ષો દાહોદ જિલ્લામાંથી વિદાય લઈ રહ્યા હોય તેમ જણાય છે. અને જંગલોનો નાશ થતા વાઘ,સિંહ, દીપડા,ચિત્તા,શિયાળ જેવા જંગલી પશુઓ પણ નામશેષની દિશામાં જઈ રહ્યા છે.અને રહ્યા સહ્યા ચિત્તા જેવા જંગલી પશુઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ ઘસી આવી જીવ હાનિ પણ પહોંચાડી રહ્યા હોવાના દાખલા મોજુદ છે.તેમજ જંગલી ભૂંડો દ્વારા ખેડૂતોની ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતો હજારો રૂપિયાનું નુકસાન ભોગવતા રહે છે.ત્યારે જંગલ ખાતા દ્વારા ફાયદાની આશા ન રાખતા નુકસાન પણ નહીં પહોંચે તે પ્રત્યે પણ ધ્યાન આપવું જરૂરી છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચની દ્રષ્ટિએ જોતા જંગલોનો ભૌગોલિક વિકાસ થઈ શક્યો નથી.જિલ્લામાં સરકાર દ્વારા માત્ર એક વર્ષ માટે જંગલ વિસ્તાર પાછળ ફાળવવામાં આવતા ખર્ચનો સદ્ઉપયોગ કરવામાં આવે,
નવીન વૃક્ષોના વાવેતર બાદ તેની સાચવણી અને માવજત કરવા જવાબદારો દ્વારા ધ્યાન આપવામાં આવે તો દાહોદ જિલ્લાને વૃક્ષોથી હરિયાળો બનતા કોઈ રોકી શકે તેમ નથી.
દાહોદ જિલ્લાના તમામ તાલુકાના જંગલ વિસ્તારમાં વર્ષો વર્ષ કરોડો રૂપિયાના ખર્ચે નવીન રોપાઓનું વાવેતર કરવામાં આવે છે.પરંતુ વૃક્ષોનું વાવેતર થયા બાદ તેના જવાબદારો દ્વારા માવજત કરવા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. અને વૃક્ષોના વાવેતર બાદ પોતાની જવાબદારી પૂર્ણ થઈ હોવાનો ઓડકાર લઈ સંતોષ માની લેવામાં આવે છે.જેના લીધે વર્ષો વર્ષ કરવામાં આવતો ખર્ચ વ્યર્થ સાબિત થતો હોય છે.ત્યારે વૃક્ષારોપણ કરવામાં આવેલ અને વાવેતર કરવામાં આવેલ રોપાઓનું માત્ર એક વર્ષ ધ્યાન રાખવામાં આવે તો કરવામાં આવેલ
વૃક્ષારોપણ તથા વાવેતરને સફળતા મળી શકે સાથે સાથે તેના પાછળ કરવામાં આવેલ ખર્ચ પણ વ્યર્થ નહીં જાય.અને જંગલ ખાતામાં પણ કર્મચારી,અધિકારીઓ પ્રમાણિક હોવાનો દાખલો બેસાડી શકે.