બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કંથાગરના પોક્સો કેસના પાંચ વર્ષથી ભાગતા ફરતા વોન્ટેડ આરોપીને કાલાવડથી ઝડપી પાડતી સુખસર પોલીસ
કંથાગરના આરોપી વિરુદ્ધ સુખસર પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષથી નોંધાયેલ પોકસો એક્ટ મુજબના ગુનાનો આરોપી પોલીસને હાથ તાળી આપી ફરાર હતો
સુખસર,તા.૮
ફતેપુરા તાલુકાના કંથાગર ખાતે રહેતા એક ઈસમ દ્વારા વર્ષ ૨૦૧૭ માં એક ગામની સગીર વયની કિશોરીને સમજાવી,પટાવી ફોસલાવી પોતાના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઈરાદાથી અપહરણ કરી જતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસર એફ.આઇ.આર દાખલ કરવામાં આવેલ હતી.પરંતુ ત્યારબાદ આ આરોપી ફરાર થઈ પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો.પરંતુ સુખસર પોલીસ દ્વારા હ્યુમન રિસોર્સના તેમજ ટેકનિકલ સર્વેન્સના આધારે પોક્સો એકટના આરોપીને સુખસર પોલીસે ઝડપી કોર્ટ હવાલે કરેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી અસારી, પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાના ઓએ લાંબા સમયથી ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તેમજ લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને શોધી બજવણી કરવા સૂચના કરેલ.જે સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ ઝાલોદ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવાના ઓના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ સુખસર પોલીસ સ્ટેશન માં ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ તથા કલમ ૪,૭ મુજબના કામના પોક્સો કેસના આરોપી મુકેશભાઈ વરસીંગભાઇ બારીયા રહે.કંથાગર (પટેલ ફળિયા)તા.ફતેપુરા,જિ.દાહોદ નાની સામે થયેલ કેસ દાહોદ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલતો હોય અને સદર આરોપી છેલ્લા પાંચ વર્ષથી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી તેઓના વિરુદ્ધમાં પકડ વોરંટ ઇસ્યુ થયેલ.જેની બજવણી અર્થે અવાર-નવાર પકડ વોરંટ આવતા હોય અને મળી નહીં આવતાં સુખસર પોલીસના માણસો વોચમાં રહેતા આવેલ હતા.તે દરમ્યાન સુખસર પોલીસને બાતમી હકીકત દ્વારા જાણવા મળેલ કે,મુકેશભાઈ બારીયા જામનગર કાલાવડ ખાતે રહી છૂટક મજૂરી કરે છે.જેના આધારે સુખસર પી.એસ.આઈ જી.બી.ભરવાડ તથા પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન રિસોર્સના તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એક ટીમને જામનગર કાલાવડ ખાતે મોકલી આપતા આ કામના આરોપી કાલાવડ ખાતેથી પોલીસના હાથે ઝડપાઈ જતા તેની ધરપકડ કરી આરોપીને પોક્સો એક્ટના કામના સ્પેશિયલ જજ દાહોદના ઓની કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.