બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે સ્વીફ્ટ કાર-મોટરસાયકલ વચ્ચે ગમખવાર અકસ્માત:બે યુવાનોના મોત,ચાર ને ઈજા
ફતેપુરા થી મોટરસાયકલ ઉપર કામ અર્થે પાટવેલ જતા બે મિત્રો અકસ્માતનો ભોગ બન્યા,એક ઇજાગ્રસ્તને અમદાવાદ રીફર કરાયો
સ્વીફ્ટ કારમાં સવાર ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓમાં નવાગામ,વડવાસ તથા સરસ્વાપૂર્વના યુવાનો
સુખસર,તા.૪
ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરમાં પાછલા પ્લોટ ખાતે રહેતા તથા એક અંબે માતાજી મંદિર સામે રહેતા ત્રણ મિત્રો મંગળવાર રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પાટવેલ ગામે કોઈ કામ અર્થે મોટર સાયકલ ઉપર નીકળ્યા હતા.તેવા સમયે પીપલારા ગામે જતાં સામેથી આવતી શિફ્ટ કારના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ સાથે અકસ્માત કરતા મોટરસાયકલ સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી ગંભીર ઇજાગ્રસ્ત બે યુવાનોના સારવાર મળે તે પહેલા જ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે એક મોટરસાયકલ સવાર યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવેલ છે.જ્યારે શિફ્ટ કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરમાં પાછલા પ્લોટ ખાતે રહેતા યશકુમાર અનિલભાઈ શર્મા (ઉ.વ ૨૯) તથા શ્રીકાંત હરીશકુમાર ઓસવાલ (ઉ.વ.૩૩) સાથે વિકેશભાઈ ઉર્ફે ધમો રાજેન્દ્રભાઈ પટેલ (કલાલ) નાઓ મંગળવાર રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં મોટરસાયકલ ઉપર કોઈ કામ અર્થે પાટવેલ બાજુ ગયેલા હતા.તેવા સમયે પીપલારા ગામે રોડ ઉપર સામેથી શિફ્ટ કાર જે પાટવેલ રાજસ્થાન તરફ જઈ રહી હતી.જેનો નંબર-જીજે.૧૫-સીડી-૪૪૬૫ ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ સવારોને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા યશકુમાર તથા શ્રી કાન્ત તેમજ વિકેશભાઈ નાઓ મોટરસાયકલ ઉપરથી ઉછળી રસ્તા ઉપર તથા રસ્તાની સાઈડમાં જોસભેર પટકાયા હતા.જેમાં આ ત્રણેય મિત્રોને માથામાં તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચવા પામી હતી.જેથી આ ત્રણેય ઈજા ગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જ્યારે સીફ્ટ કારમાં સવાર ત્રણ વ્યક્તિઓમાં સતિષભાઈ બાબુભાઈ ગરવાલ રહે.નવાગામ,અનિલભાઈ ચંપાભાઈ બરજોડ રહે.વડવાસ તથા પરેશભાઈ તેરસિંગભાઈ ડામોર રહે. સરસ્વાપૂર્વ તા.ફતેપુરાના ઓને પણ આ અકસ્માતમાં નાની-મોટી ઇજાઓ પહોંચવા પામેલ હતી.અને તેઓને પણ ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મોટરસાયકલ સવાર ત્રણ ઇજાગ્રસ્તોને ફતેપુરા સરકારી દવાખાને ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે લુણાવાડા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.પરંતુ ગંભીર ઇજાગ્રસ્ત યશકુમાર શર્મા તથા શ્રીકાંત ઓસવાલના ઓને સારવાર મળે તે પહેલા જ એમ્બ્યુલન્સમાં મરણ ગયેલ હોવાનું જાણવા મળે છે.ફતેપુરાના બે આશાસ્પદ યુવાનોના અકસ્માતે મોત નીપજતાં પરિવાર સહિત ફતેપુરા ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.જ્યારે વિકેશભાઇ પટેલને લુણાવાડા ખાતે સારવાર માટે લઈ જતા વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરતાં હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે ફતેપુરાના મીતકુમાર નિખીલભાઈ
શ્રીમાળીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા શિફ્ટ કાર ચાલક સામે અકસ્માત મોત અન્વયે ગુનો નોધી બંને મૃતકોના પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.