બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સરકારી પ્રાથમિક શૈક્ષણિક ક્ષેત્રમાં વિવિધ ક્ષતીઓમાં સુધાર લાવવા માંગ
ફતેપુરા તાલુકા શિક્ષણ શાખાની કચેરીમાં વર્ષોથી ખાલી પડેલી બીટ નિરીક્ષકની જગ્યા: બાહ્ય કર્મચારી દ્વારા કરાતી કામગીરી!
તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં એસ.એમ.સી ગ્રાન્ટનો દૂર ઉપયોગ થતો હોવાની ઉઠેલી બુમો
સુખસર,તા.૩
વૈજ્ઞાનિક ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા કોમ્પ્યુટર યુગમાં દેશના છેવાડાના માનવી સુધી શિક્ષણનો વ્યાપ વધારવાના આશયથી તેમજ ભવિષ્યમાં આવનાર સમયને ધ્યાનમાં રાખી આજનો વિદ્યાર્થી શૈક્ષણિક, સામાજિક,સાંસ્કૃતિક,વૈજ્ઞાનિક તેમજ રમત-ગમત ક્ષેત્રોને સમજી તેને અપનાવે જેથી આજનો વિદ્યાર્થી આવતીકાલ ભારતના ભવિષ્ય માટે સધ્ધર નાગરિક બની શકે તે હેતુથી સરકાર પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈને શાળા કોલેજો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.તેમ છતાં સ્થાનિક જવાબદારોના મનસ્વી વહીવટના કારણે ફતેપુરા તાલુકામાં કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની સ્થિતિ કથળતી જતી હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીનો પાયો છે.જ્યારે ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાના શિક્ષણની સ્થિતિ કથળતી જઈ રહી છે.તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને ગુજરાતી લખતાં-વાંચતા આવડતું નથી.શિક્ષકોની કથિત બેદરકારીના કારણે સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે.જ્યારે ખાનગી પ્રાથમિક શાળાઓમાં ઊંચી ફી ભરી પોતાના બાળકોને અભ્યાસ કરાવવા વાલીઓ મજબૂર બની રહ્યા છે.જો સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકારના આયોજન મુજબ શિક્ષણ મળી રહેતું હોય તો ખાનગી શાળાઓમાં ફી ભરી પોતાના બાળકોને ભણાવવા કોઈ વાલી સંમત નહીં હોય!પરંતુ તેના માટે બાળકોના વાલીઓ પણ ઓછા જવાબદાર નથી.પોતાના ગામની પ્રાથમિક શાળામાં પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નહીં હોય તો કથળેલા શિક્ષણની સ્થિતિ સુધારવા આગળ કેમ આવતા નથી?આપણે યાદ રાખવું જોઈએ કે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના પગાર તથા શૈક્ષણિક સુધારણા માટે જે ખર્ચ કરવામાં આવે છે તે આપણાજ ટેક્સના નાણાં છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,એક અભણ શ્રમિક વ્યક્તિને દૈનિક વેતન મળે છે તેનાથી પણ ઓછા વેતનની નોકરી કરતા ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન આપી શિક્ષણ આપવામાં આવે છે.અને બાળકો પણ ભણતરમાં હોશિયાર થાય છે.જોકે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકો ગામની પ્રાથમિક શાળા છોડી ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ માટે હજારો રૂપિયાની ફી ભરી અભ્યાસ કરવા મજબૂર બને છે.તેમજ કેટલીક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ સ્થાનિક હોવા છતાં પોતાના બાળકોને ખાનગી શાળામાં ઉંચી ફી ભરી ભણાવતા હોવાના અનેક કિસ્સા જોવા મળે છે.ત્યારે એક શિક્ષક કે જે-તે શાળામાં ફરજ બજાવે છે તે શાળામાં આપવામાં આવતા શિક્ષણમાં વિશ્વાસ કેમ નથી..!?
શાળાઓમાં સુપરવિઝન માટે બીટ કેળવણી નિરીક્ષક ની જગ્યા વર્ષોથી ખાલી!
ફતેપુરા તાલુકામાં મોનિટરિંગ માટેના બિટ કેળવણી નિરીક્ષકની દસ વર્ષ ઉપરાંતથી ખાલી જગ્યા પડેલી છે. જોકે બાળકોને શિક્ષણની સાથે શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરાવવાની દરખાસ્તમાં ખાનગી અહેવાલ ની જરૂરત પડે છે.અને તેમાં બીટ નિરીક્ષકની સહી જરૂરી હોય છે. જે સહી તાલુકા શિક્ષણ શાખાના માનીતા એક કર્મચારી ખોટી રીતે બીટ નિરીક્ષકની સહી કરી મંજૂર કરતા હોવાના અનેક કિસ્સા મોજુદ હોવાની ચર્ચા સાંભળવા મળે છે.તેમજ બીટ નિરીક્ષકની જગ્યા ખાલી હોવાથી છેલ્લા દસ વર્ષ ઉપરાંત થી તાલુકા શિક્ષણાધિકારી,બી.આર.સી જે-તે શાળામાં તપાસ કરવા જતા હોવાનું અને ઇન્સ્પેક્શનના નામે ગેરરીતિ આચરાતી હોવાની પણ ચર્ચા સાંભળવા મળે છે.તેમજ થતી ચર્ચા મુજબ બી.આર.સી,સી.આર.સી નું તંત્ર પણ નબળું પુરવાર થઈ રહ્યું છે.બી.આર.સી,સી.આર.સી ની કામગીરીની સમીક્ષા થાય અને નબળી કામગીરી વાળા અધિકારી,કર્મચારીઓ ઉપર કાર્યવાહી થાય તોજ તાલુકામાં કથળેલા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થઈ શકે.
ફતેપુરા તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં એસ.એમ.સી ગ્રાન્ટમાં થતા દુર ઉપયોગની તપાસ જરૂરી
ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા એસ.એમ.સી ની વર્ષે હજારો રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.પરંતુ કેટલીક પ્રાથમિક શાળાઓમાં ફળવાયેલ ગ્રાન્ટનો દુર ઉપયોગ થઈ રહ્યો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.તેમાં એસ.એમ.સી સભ્યોમાં એક મહિલા પ્રોમિનેન્ટ સભ્ય હોય છે.અને આ ગ્રાન્ટ ઉપાડવા મહિલા પ્રોમીનેન્ટ સભ્ય તથા આચાર્યની સહીથી અને એસ.એમ.સી સભ્યોના ઠરાવ બાદ બેંકમાંથી નાણા ઉપાડવાના હોય છે. પરંતુ કેટલીક શાળાઓમાં એસ.એમ.સી ના સભ્યોના ઠરાવ અને વિશ્વાસમાં લીધા વિના તેમજ મહિલા પ્રોમિનેન્ટ સભ્યની ચેકમાં ડુપ્લીકેટ સહીથી આચાર્ય દ્વારા બારોબાર નાણાં ઉપાડી આ નાણાનો અંગત કામમાં ઉપયોગ કરતા હોવાના કિસ્સા પણ બની રહ્યા છે. તેમજ કેટલીક શાળાના આચાર્યો દ્વારા એસ.એમ.સી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે કામગીરી કરાવતી હોવાની પણ ફરિયાદો ઉઠે છે.આ બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ હકીકત છે.ત્યારે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફાળવવામાં આવેલ એસ.એમ.સી ગ્રાન્ટ દ્વારા કરવામાં આવેલ કામગીરી ની નિષ્પક્ષ અને તટસ્થ કપાસ હાથ ધરવામાં આવે તો સત્ય હકીકત પ્રકાશમાં આવી શકે તેમ છે.