ઈજાગ્રસ્ત પાંચ મજૂરો પૈકી 2 મજૂરો વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડાયા..
રોઝમમાં નિર્માણાધીન ટાંકાનો સ્લેબ તૂટી જવાનાં બનાવમાં બન્ને મજૂરોની અંતિમવિધિ ટાણે ગામ હિબકે ચઢ્યું..
કલેક્ટર દ્વારા તપાસ સોપાઈ, ઘટના સંદર્ભે હકીકતલક્ષી અહેવાલ કચેરીએ સુપરત કરાયો…
દાહોદ તા. ૧૫
દાહોદ તાલુકાના રોઝમ ગામે જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન ટાંકીનો સ્લેબ તૂટી જતા બનેલી ઘટનામાં બે મજુરો સ્લેબના કાટમાળમાં દબાઈને મોતને ભેટ્યા હતા જયારે અન્ય 5 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેકટર ડોક્ટર હર્ષિત ગોસાવી તેમજ પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારીઓ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સંબંધિત વિભાગ પાસેથી કામ અંગે હકીકત લક્ષી અહેવાલનો રિપોર્ટ કરવા તાકીદ કરી હતી તો બીજી તરફ બંને મરણ જનાર મજૂરો એકજ ગામના હોવાથી સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું તો બીજી તરફ ઝાયડસમાં સારવાર લઈ રહેલા પાંચ ઇજાગ્રસ્તો પૈકી બે મજૂરોની હાલત વધુ ગંભીર બનતા તેમને તાત્કાલિક વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા અને હાલ તે બંને મજૂરોની સ્થિતિ સુધારા ઉપર છે તેમજ ઝાયડસમાં સારવાર લઇ રહેલા ત્રણ મજૂરોની પણ સ્થિતિ પણ સુધારા પર છે
દાહોદ તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ચીલાકોટા જૂથ પાણી પુરવઠા યોજનાની 4.52 કરોડના ખર્ચે 15 ગામોના સમાવેશ કરવાની યોજના અંતર્ગત નિર્માણાધિન પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું હતું જેમાં અંશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજકોટ દ્વારા આ નિર્માણાધીન પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ખરોદા ગામના 15 કરતાં વધુ મજૂરો પાણીની ટાંકીનો ત્રીજા માળનો સ્લેબ ભરવા માટેનું કામ કરી રહ્યા હતા અને સાંજના 5:00 વાગ્યાના સમયગાળા દરમિયાન એકાએક સ્લેબ ભરાઈ રહ્યો હતો તેવા સમયે એકાએક સ્લેબ ધરાશાહી થતા નીચે કામ કરી રહેલા મજૂરો દટાયા હોય જેમાં બે મજુરોના દટાઈ જવાથી મોત નીપજ્યા હતા જેમાંથી 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા અને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા જ્યાં બે મજૂરોની હાલત વધુ ગંભીર બનતા તેમને તાત્કાલિક વડોદરા રીફર કર્યા હતા જ્યાં બન્ને મજૂરોની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ આ બનાવ સંદર્ભે કલેકટર ડોક્ટર હર્ષીત ગોસાવીએ સંબંધિત વિભાગો પાસે આ ઘટનાનો હકીકતલક્ષી અહેવાલ રિપોર્ટ કરવા માટે તાકીદ કરી હતી જાણવા મળ્યા અનુસાર રિપોર્ટમાં ટેકા ખસી ગયા હોવાથી આ ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે પરંતુ આ મામલે આ ઘટનાને લઈને એક તપાસ સમિતિ બેસાડવામાં આવી છે જે સમગ્ર ઘટના સંદર્ભે તટસ્થ તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવા માટે રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને જો આમાં કોઈ દોષીતો જાહેર થશે તો તેમની સામે કડક પગલા લેવામાં આવશે તેવું આધારભુત સૂત્રો દ્રારા જાણવા મળેલ છે