બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં ડેન્ગ્યુનો પગ પેસરો થતાં સ્થાનિકોમાં ફફડાટ
સુખસરની ૩૦ વર્ષીય મહિલા ને તાવ-માથાની અસર થતાં સંતરામપુર લેબોરેટરીમાં તપાસ દરમ્યાન ડેન્ગ્યુ પોઝિટિવનો રિપોર્ટ આવ્યો
સુખસર,તા.૪
ફતેપુરા તાલુકાના સુખસરમાં કેટલીક જગ્યાઓ ઉપર થોડા દિવસ અગાઉ પાણીથી ભરાઈ રહેતા ખાબોચિયા ઓમાં તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગ સ્થાનિકોમાં ફેલાય નહીં તે હેતુથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે સુખસર ગામના મોટાભાગનો વિસ્તાર આ દવાના છંટકાવ થી બાકાત રાખવામાં આવ્યો હતો. ત્યારે સુખસરના બસ સ્ટેશન વિસ્તાર તથા માર્કેટયાર્ડ આસપાસના વિસ્તારમાં આ દવાનો છંટકાવ કરવામાં આવ્યો નહીં હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળે છે.ત્યારે સુખસરની ૩૦ વર્ષીય મહિલાને તાવ,માથા દુખાવા તથા શરીર દુઃખાવાની અસર થતાં સંતરામપુર લેબોરેટરીમાં તપાસ દરમિયાન મહિલાને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા આસપાસમાં વસવાટ કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.હાલ મહિલા સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહી હોવાનું પણ જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં માર્કેટયાર્ડ ની સામે હાઇવે માર્ગ ની બાજુમાં રહેતા જીગીષાબેન રિતેશભાઈ કલાલ ઉંમર વર્ષ ૩૦ ના ઓને હાથ પગ દુઃખાવા તથા તાવ,માથાનો દુઃખાવો તથા શરીરની કમજોરીની અસર જણાતા તેઓને સુખસર ખાતેના એક ખાનગી દવાખાનામાં સારવાર કરાવવામાં આવી હતી.પરંતુ જે સારવારથી બીમારીમાં કોઈ ફરક નહીં જણાતા સંતરામપુર પારસમણી ખાનગી હોસ્પિટલમાં જઈ તપાસ કરાવતા અને લેબોરેટરી કરતાં જીગીષાબેન કલાલને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળે છે.અને હાલ જીગીષાબેન ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસરમાં હાલ નાની મચ્છરી તથા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.અને જેના લીધે મચ્છરજન્ય રોગો લોકોમાં ફેલાવવાનો ભય પણ ઉભો થવા પામેલ છે.ત્યારે મચ્છરજન્ય રોગો લોકોને બાનમાં લેતે પહેલાં લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપી તાત્કાલિક ધોરણે દવાનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી જણાઈ રહ્યો છે.