
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના પાટડીયાના બુથ નંબર ૧૭૫ ના મતદારોને અન્યાય થતા મામલતદાર સમક્ષ રજૂઆત
બુથ નંબર ૧૭૫ ના બી.એલ.ઓ તથા મતદારોની જાણ બહાર બુથ નંબર ૧૭૪ માં ફેરબદલ કરાતાં કસુરવારો સામે તટસ્થ તપાસ કરવા માંગ કરાઈ
ફેરબદલ કરવામાં આવેલ બુથમાં કેટલાક મરણ ગયેલા લોકોનો મતદાન યાદીમાં નામનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો
સુખસર,તા.૩
ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે આવેલ બુથ નંબર ૧૭૫ ના મતદારોને સ્થાનિક મતદારો તથા બી.એલ.ઓ ની જાણ બહાર બુથ નંબર ૧૭૪ માં ફેરબદલ કરી સમાવેશ કરાતા ગેરકાયદેસર રીતે મનસ્વી વહીવટ દાખવનાર જવાબદારો સામે અન્યાયનો ભોગ બનેલા મતદારોએ કસુરવારો સામે તટસ્થ તપાસ કરી તેમની સામે કાયદેસરના પગલાં ભરી મતદારોને જે- તે સ્થિતિમાં સ્થાયી રાખવા ફતેપુરા તાલુકા મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે આવેલ ડુંગરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં મતદાન બુથ નંબર ૧૭૫ આવેલ છે.જે બુથના કેટલાક મતદારોને બી.એલ.ઓ તથા મતદાર વ્યક્તિઓની જાણ બહાર બુથ નંબર ૧૭૪ માં લઈ જવા માટે ગેરકાયદેસર કાર્યવાહી કરી બી.એલ.ઓ ની જાણ બહાર એપ્લિકેશન મંજૂર કરી આઈ.ડી બનાવીને ઓનલાઇન કરવામાં આવેલ હોવાની રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો તેમજ કેટલાક મરણ ગયેલ મતદારોના નામો પણ ઓનલાઇન કરવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ બુથ નંબર ૧૭૫ ના મતદારોને ગેરકાયદેસર બુથ બદલી અન્યાય કરવામાં આવ્યો હોવા ની રજૂઆત સાથે ફેરબદલ કરવામાં આવેલ બુથની કામગીરી સ્થગિત રાખી આ બુથના મતદારોને સ્થાયી રાખવા રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બુથ નંબર ૧૭૫ વાળા મતદારોને ગેરકાયદેસર બૂથ નંબર ૧૭૪ માં લઈ જઈ મનસ્વી કામગીરી કરનાર જવાબદારોની તપાસ કરી ગેરકાયદેસર બુથ ફેરબદલ કરવામાં ભાગ ભજવનાર જે-તે વ્યક્તિ તથા કર્મચારીઓની સામે ખાતાકીય તટસ્થ તપાસ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.