બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં વરસાદના અભાવે ચોમાસુ ખેતી પાકો નિષ્ફળ જવાની ભીતીથી ખેડૂતો ચિંતિત
મોંઘા ભાવના બિયારણ,કાળા બજારમાંથી ઊંચા ભાવે ખાતર લાવી વાવેતર કર્યા બાદ કુદરત રૂઠતી હોવાનો અહેસાસ કરતા ખેડૂતો.
તાલુકામાં નદી નાળા,કુવા, તળાવો ખાલીખમ,ચોમાસુ સીઝન સહિત શિયાળાની રવિ સિઝન માટે ખેડુતોનુ ખેતી ભવિષ્ય ધૂંધળુ.
સુખસર,તા.૩
ફતેપુરા તાલુકામાં ગત વર્ષોની સરખામણીએ ઓછો વરસાદ થયેલ હોવાનુ તાલુકામાં નજર નાંખતાં જણાઈ આવે છે.છેલ્લા એક માસથી તાલુકામાં વરસાદના આગમન વિના ખેતી પાકો કરમાઈ રહ્યા છે.અને હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હજી થોડા દિવસ વરસાદી પાણીનું આગમન નહીં થાય તો તાલુકામાં પાકણી તરફ ઢળી રહેલા ચોમાસુ પાકોની ખેતી નિષ્ફળ જાય તેવો ખેડૂતોમાં ભય ઊભો થતા ચિંતિત બન્યા છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ગત વર્ષોની સરખામણીએ ચોમાસુ ખેતી પાકો માટે જરૂર પૂરતા વરસાદનો અભાવ જોવા મળે છે.સામાન્ય વરસાદથી ખેડૂતોએ મકાઈ,ડાંગર,તુવર,સોયાબીન જેવા ચોમાસુ પાકોની ખેતી માટે મોંઘા ભાવના બિયારણ સમયસર એગ્રો સેન્ટરો દ્વારા મળવા જોતા ખાતરની અછતના કારણે મોંઘા ભાવના કાળા બજારમાંથી ખાતરની ખરીદી કરી ખેડૂતો ઉંચી ઉપજની આશા સેવી રહ્યા હતા.પરંતુ છેલ્લા એક માસથી તાલુકામાં વરસાદી પાણીનું આગમન થયું નથી.અને લીલા પાકો કરમાઈ રહ્યા છે.અને હજી પણ થોડા દિવસ વરસાદ વિલંબ કરે તો ચોમાસુ પાકો નિષ્ફળ જવાનો ભય ઊભો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
અગાઉના વર્ષો ની સ્થિતિએ જોતા હાલ ચોમાસા સુધીના સમયની દ્રષ્ટિએ નદી,નાળા,કુવા,તળાવોમાં સારા એવા પ્રમાણમાં પાણી જોવા મળતું હતું.પરંતુ હાલ નદી,નાળા,કુવા, તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે.અને રાત્રિના સમયે ઝાંકળ પડી રહ્યું છે.અને વરસાદ જો હાથ તાળી આપે તો ચોમાસુ સીઝન નિષ્ફળ જાય સાથે- સાથે આવનાર શિયાળાની સિઝનમાં પાણીની અછતના લીધે રવિ પાકોથી પણ ખેડૂતોને હાથ ધોઈ નાખવાનો સમય આવે તેવા અણસાર જણાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા જોવા મળે છે.જોકે હજી વરસાદી દિવસો બાકી છે.અને ટૂંક સમયમાં એકાદ બે વાર નદી,નાળા,તળાવો અને કુવાઓ છલકાઈ જાય તો ચોમાસુ સિઝનની સાથે સાથે રવિ સિઝન માટે પણ ખેડૂતોમાં આશા બંધાઈ શકે.