નવસારી તાલુકાની સરપોર ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય દ્વારા મહિલા ઉમેદવાર પાસે સત્તામંડળના નામ પર વ્યવહાર કરવાની માંગણી કરતા મદદનીસ આદિજાતી કમિશનરને લેખિત ફરિયાદ.
નવસારી તા. ૩૦
નવસારી જિલ્લાના સરપોર ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના ટ્રસ્ટી મંડળ સાથે વ્યવહારના નામે રમેશ વાઘેલા નામના નિવૃત આચાર્યએ હાલમાં શિક્ષક તરીકે ઇન્ટરવ્યૂમાં જિલ્લામાં આગળના ક્રમાંકે પસંદગી પામેલા મહિલા ઉમેદવાર શ્રેફલ શૈલેષભાઇ પટેલ પાસે 10 લાખ જેટલી મોટી રકમની માંગણી કરતા વિવાદ સર્જાયો હતો.એ માટે મહિલા ઉમેદવાર શ્રેફલ શૈલેષભાઇ પટેલે મદદનીસ આદિજાતી કમિશનર વી એમ ગોહિલને પુરાવાઓ સહિત લેખિતમાં ફરિયાદ કરેલ છે.આ બાબતે મહિલા ઉમેદવાર શ્રેફલ પટેલ અને એના પતિ રાકેશ પટેલ દ્વારા સરપોર આશ્રમશાળાના સંચાલકો અને રમેશ વાઘેલા પર આક્ષેપ મુકતા જણાવ્યું કે અમે મે મહિનામાં ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ કરેલ જેમાં અમને જણાવવામાં આવેલ કે શ્રેફલબેનનો પહેલો નંબર છે.
અને થોડા દિવસ પછી રમેશભાઈ વાઘેલા નામના વ્યક્તિનો શાળાના સત્તામંડળ સાથે વ્યવહારના નામ પર રૂપિયાની માંગણી કરવા ફોન આવેલ.અમે પૂછપરછ કરતા એમણે રૂપિયા 10 લાખની માંગણી કરેલ હતી,પરંતુ પસંદગી પામનાર ઉમેદવારોમાં પહેલા નંબર પર શ્રેફલ પટેલ હોય અમારે રૂપિયા આપવાની ઈચ્છા ન હોવાથી અમે ના પાડેલી કે અમારી આર્થિક ક્ષમતા એટલી નથી.આથી રમેશ વાઘેલા દ્વારા શાળા સંચાલક મંડલને 7 લાખ અને છેલ્લે 4 લાખ તો તમારે આપવા જ પડશે એમ જણાવેલ.પરંતુ અમે એમ કરવાનો સ્પષ્ટ નનૈયો ભણતા શાળા સંચાલક મંડળ દ્વારા રોજકામની નોંધ તકેદારી અધિકારીને આજદિન મોકલેલ નથી અને રાતદિવસ આટઆટલી મહેનત કરવા છતાં અમારું ભવિષ્ય જોખમમાં આવી ગયેલ.આ બાબતે અમે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ મહામંત્રી સુરેશભાઈ પટેલનો સંપર્ક કરતા
એમણે અમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપેલ.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે અમે સાંભળેલા ઓડિયોમાં ફોન કરનાર વ્યક્તિ એક હાથથી ઓર્ડર લો અને બીજા હાથે વ્યવહાર કરો એવી સ્પષ્ટ ભાષામાં બેશરમીથી વાત કરી રૂપિયાની માંગણી કરી રહ્યો છે.એનો સ્પષ્ટ મતલબ એજ થાય છે કે ભ્રસ્ટાચારીઓને કાયદો-વ્યવસ્થાનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી.અને આવા લોકો યુવાનોને એવો સંદેશો આપી રહ્યા છે કે તમે ગમે તેટલું ભણો પરંતુ તમારી પાસે રૂપિયા નહીં હોય તો તમારી બધી લાયકાત નક્કામી.તો અમારો પ્રશ્ન એ છે કે ગરીબોએ ભણવું કેવી રીતે?અને સારુ ભણી ગયા તો નોકરીએ લાગવા માટે રૂપિયા આપવા કેવી રીતે?આવી જ રીતે ભૂતકાળમાં કેટલાય હોનહાર યુવાનોએ પૈસાના અભાવે પોતાની નોકરી અને કારકિર્દી ગુમાવવાનો વારો આવ્યો છે.આ બાબતે અમે જિલ્લા આશ્રમશાળા અધિકારી સુજાત પ્રજાપતિ સાથે સ્પષ્ટ ભાષામાં વાત કરી છે અને જણાવ્યું છે કે 10 દિવસની અંદર આ બહેનને એના હકનો ન્યાય નહીં મળે તો અમે બિરસા મુંડાના માર્ગે ઉગ્ર આંદોલન કરીશું.માત્ર આદિવાસી સમાજના જ નહીં, દરેક સમાજના યુવાન ભાઈ-બહેનો તમારા વિરુદ્ધ થયેલ અન્યાયના પુરાવાઓ જો તમારી પાસે હોય તો અમારો સંપર્ક કરજો અમે તમને અમારાથી બનતી મદદ કરીશું.આ પ્રસંગે અન્ય આગેવાન સુરેશભાઈ પટેલે જણાવ્યું કે દરેક યુવાનોને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વતી જણાવવાનું કે તમારી સાથે થઇ રહેલા અન્યાયમાં અમે કોઈપણ નાતજાતના ભેદભાવ વગર અમે તમારી સાથે છીએ.શ્રેફલબેનના પ્રશ્નને અધિકારીઓ ગંભીરતાથી નહિ લઇ જો ન્યાય અપાવવામાં નિષ્ફ્ળ જશે તો અમે રાજ્યવ્યાપી સંગઠનને નવસારી જિલ્લામાં બોલાવી કચેરીઓનો ઘેરાવો અને ચક્કાજામ કરીશું.આ પ્રસંગે ડો.દિવ્યાંગી પટેલ,કમલેશ પટેલ,અરવિંદ પટેલ,કેતન ગાયકવાડ,ધર્મેશ પટેલ,નિખિલ પટેલ,હાર્દિક પટેલ,શૈલેષ રાઠોડ,એમ એસ નૌસરકા,મેહુલ પટેલ,ભાવેશ પટેલ,શૈલેષ પટેલ,કમળાબેન પટેલ,ઉમેશ રાઠોડ,કૃણાલ પટેલ,મયુર,પ્રિતેશ,જયમીન,ઝહીર,જીગર,દિવ્યેશ,મિતેશ વગેરે યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.