
દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકી બની બેફામ:બે જુદી જુદી જગ્યાએથી ગાડીઓ ચોરાઈ….
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચોરીનો સિલસિલો યથાવત રહેતા જિલ્લામાં વાહન ચોરીનો ગ્રાફ ઊંચો આવ્યો..
વાહન ચોરીને ડામવા પોલીસ કોઈ એક્શન પ્લાન બનાવી નક્કર કામગીરી કરે તેવી માંગ ઉઠી..
દાહોદ તા.05
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચોર ટોળકીએ પોતાનું અજમાવી એક ફોરવીલર તેમજ એક ટુ-વીલર ગાડીની ઉઠાનતરી કર્યાનું જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકી બેફામ રીતે જિલ્લામાં જુદી જુદી જગ્યાએ પોતાનો કસમ અજમાવી બિન્દાસ પણે વાહનોની ચોરી કરી પોલીસને પડકાર ફેંકી રહી છે.ત્યારે વીતેલા 24 કલાકમાં પોલીસની પેટ્રોલિંગ વચ્ચે વાહન ચોર ટોળકીએ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહનોની ઉઠાનતરી કરી છે જેમાં દાહોદ તાલુકાના રાછરડા ગામના ગામ તળિયામાં રહેતા સંજય કુમાર શંકરસિંહ ભરપોડા રાત્રિના સમયે સ્ટેશન રોડ ઉપર રંગમંચ ખાતે ચાલતા સાર્વજનિક ગરબા જોવા માટે આવ્યો હતો.અને સામેના ભાગે આવેલી આર એલ & પંડ્યા હાઇસ્કુલ સામે રોડ ઉપર લોક કરીને પાર્ક કરીને મૂકેલી હીરો કંપનીની ડીલક્ષ મોટર સાયકલ જેનો નંબર છે GJ-20-AN-6609 ની કાળા કલરની મોટરસાયકલ પાર્ક કરીને મૂકી હતી ત્યારે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોરોએ તેની મોટરસાયકલ નો લોક તોડી અથવા તો કોઈ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી અને હીરો કંપનીની ડીલક્ષ મોટરસાયકલની ઉઠાનતરી કરતા તે યુવક દ્વારા એફઆઇઆર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી હતી અને આગળની વધુ તપાસ પોલીસ દ્રારા હાથ ધરી છે.
જયારે વાહન ચોરીનો બીજો બનાવ ધાનપુર તાલુકાના મોટી આગાસવાણી ગામે બનવા પામ્યો છે. જેમાં લધોડીયા ફળિયાના રહેવાસી પર્વતભાઈ મૂળિયાભાઈ સંગાડાએ પોતાની ત્રણ લાખ રૂપિયા કિંમતની Gj-20-U-9652 નંબરની તુફાન ગાડી ઘરના આંગણે પાર્ક કરી હતી. જે ગાડી અજાણ્યા વાહનચોરોએ લોક તોડી ચોરી લઈ ગયા હતા.જે બાદ વહેલી સવારે પર્વતભાઈ સંગાડીયા ઘરની બહાર આવતા તેમને ગાડી જોવા મળી ન હતી. ત્યારબાદ આસપાસ તપાસ કરતા એ ગાડી ન મળી આવતા આખરે પર્વતભાઈ સંગાડીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનપુર પોલીસે વાહનચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.