રાજેશ વસાવે :- દાહોદ
વારંવાર રજુઆત કરવા છતાં ખરાબ રોડ બાબતે વલસાડ જિલ્લા પ્રશાશનના પેટનું પાણી નહીં હાલતાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખે આરટીઆઈથી માહિતી માંગી.
વલસાડ તા. ૨૯
છેલ્લા કેટલાય સમયથી વલસાડ જિલ્લાના રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે માર્ગ વિભાગની અણધડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.આ સમસ્યા વિશે વિગતે જાણકારી મેળવવા ખેરગામના જાણીતાં સર્જન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જિલ્લા માર્ગ અને બાંધકામ વિભાગ પાસે છેલ્લા 3 વર્ષની કામગીરીની વિવિધ માહિતીઓ જાહેર માહિતી અધિકાર અધિનિયમ-2005 અંતર્ગત માંગી છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી જિલ્લા પ્રશાશનને બિસ્માર બનેલા રોડના સમારકામ માટે વિનંતી કરવામાં આવી ચુકી છે.આ બાબતે સામાજિક આગેવાન તરીકે અનેક લોકો અને દર્દીઓ અમારી પાસે આવીને રજૂઆત કરી રહ્યા છે કે આ ખરાબ રસ્તાઓનું કંઈક કરાવો,અમારી હાલત ખરાબ થઇ ગઈ છે.અને કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે.તો પણ આ નફ્ફટ તંત્રના પેટનું પાણી હાલતુ નથી.હાલમાં જ થોડા દિવસ પહેલા ધરમપુર ખાતે એક મહિલાનું મૃત્યુ થતાં ધરમપુરના સામાજિક આગેવાન કલ્પેશ પટેલે આર એન્ડ બી વિભાગના અધિકારીને ફોન કરતા,મહિલા અધિકારીએ અમારે એક જ રોડના કામ નથી હોતા એવો ઉદ્દત જવાબ આપતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.વલસાડ જિલ્લા માંથી છુટા પડેલા નવસારી જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ આજે વલસાડ જિલ્લાની સરખામણીમાં ઘણી સારી પરિસ્થિતિમાં છે.આથી અમારા સંગઠને ક્યા કારણથી માર્ગ વિભાગના અધિકારીઓ સારા રોડ બનાવવામાં ઠાગાથૈયા કરતા આવેલા છે તે જાણવા માટે આરટીઆઈ થી તંત્ર પાસે માહિતી માંગી છે.તંત્ર શું જવાબ આપે છે એ અમે રાહ જોઈશું અને જો ટૂંક સમયમાં રસ્તાઓનું યોગ્ય સમારકામ નહીં કરવામાં આવે તો પ્રજાની સુખાકારી માટે ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે અને એના લીધે કાયદોવ્યવસ્થા ખોરવાશે તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પ્રશાશનની રહેશે જે તંત્ર ધ્યાને લે.