બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત:સદભાગ્યે મોટી જાનહાની ટળી…
લીમખેડામા ડમ્પરને બસે પાછળથી ધડાકાભેર ટક્કર મારતા ડમ્પર ઊંધુ વળી ગયું,10 થી 12 લોકો ઘાયલ..
લીમખેડા તા.30
લીમખેડા તાલુકાના પાણીયા ગામ પાસે બાયપાસ હાઈવે પર આજે વહેલી પરોઢે એક વોલ્વો બસ અને કપચી ભરેલા ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 10 થી 12 જેટલા મુસાફરોને શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી.જે પૈકી ત્રણ જેટલાં મુસાફરોને ફેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. જોકે આ બનાવમા સદનસીબે વોલ્વો બસ પલટી ખાતા સહેજ બચી જતા મોટી જાનહાનિ ટળી હતી.
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામના કબ્રસ્તાનની પાછળના વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ મજીદભાઈ ઘાંચી પોતાના Gj-17-XX-3287 નંબરના ડમ્પરમાં અલખનંદા કવોરીમાંથી કપચી ભરીને દિલ્હી મુંબઈ કોરિડોર રોડની કામગીરી માટે લઈને જવા નીકળ્યો હતા..આ તે દરમિયાન રસ્તામાં સાડા ચારેક વાગ્યાના સુમારે લીમખેડા નજીક પાણીયા ગામ પાસે પહોંચતા જ અચાનક પાછળથી UP -75-M-5256 નંબરની વોલ્વો બસના ચાલકે કપચી ભરેલ ડમ્પર જોશભેર ટક્કર મારી દેતા વોલ્વો બસ અને ડમ્પર ઘસડાઈને રોડની નીચે ઉતરી પડતા ડમ્પર પલટી ખાઈ ગયું હતું,જ્યારે વોલ્વો બસ સહેજમા પલટી ખાતા રહી જતા મોટી મોટી જાનહાની ટળી હતી.
વોલ્વો બસ ભોપાલથી 25 જેટલા મુસાફરો ભરીને અમદાવાદ તરફ જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે,ડમ્પર અને બસના અકસ્માતમાં બસમાં સવાર 10 થી 12 જેટલા મુસાફરોના શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી,જે પૈકી ત્રણ જેટલા મુસાફરોને હાથે-પગે ફેક્ચર પણ થયું હતું.આ બનાવ સંદર્ભે ડમ્પરના ચાલક ઈબ્રાહીમ મજીદ ઘાંચીએ નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે વોલ્વો બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.