ડિમોલિશનના કપરા સમયમાં વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગો વચ્ચે….
દાહોદ જુના ભાજપ કાર્યાલય સામે નગરપાલિકા દ્વારા બનાવેલી અને છેલ્લા પાંચ વર્ષથી ધૂળ ખાઈ રહેલ શોપિંગ સેન્ટરની દુકાનો જરૂરતમંદોને ફાળવવા માંગ ઉઠી…
દાહોદ તા.25
દાહોદ શહેરમાં ભાજપના જુના કાર્યાલય સામે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ પાર્કિંગની સુવિધા યુક્ત 14 જેટલી દુકાનો વાળું શોપિંગ સેન્ટર કે જે છેલ્લા પાંચ વર્ષથી કોઈને કોઈ કારણોસર ધૂળ ખાઈ રહ્યું છે તેની ધૂળ સાફ કરી આ શોપિંગ સેન્ટર ની દુકાનો જેની દુકાનો તોડી પાડવામાં આવી છે તેવા વેપારીઓ પૈકી 14 જેટલા જરૂરતમંદ વેપારીઓને સરકારી ધારા ધોરણ મુજબ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરવાની કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા 20 દિવસથી કરવામાં આવી રહી છે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 500 જેટલી દુકાનો તોડી પાડવામાં આવતા તે દુકાનદારો રોજગાર વિહોણા થયા છે. તંત્રની આ કામગીરીનો મોટાભાગના દુકાનદારોએ વિરોધ કર્યો હતો. એક વિસ્તારમાં તો દુકાનો તૂટતી બચાવવા યા સામાન ખસેડવાનો સમય વધારવા ખુદ પાલિકા પ્રમુખ, પક્ષના નેતા તેમજ ભાજપ શહેર પ્રમુખ વગેરેને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. તેમ છતાંય તેઓને તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ મોડે મોડે પણ રોજગાર વિહોણા બનેલા વેપારીઓની મદદે દાહોદના સાંસદ તથા ધારાસભ્ય દોડી આવ્યા અને વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવા પોતાના ડેલિગેટ સાથે મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા હતા. જેના પ્રતિભાવ રૂપે રાજ્યના મુખ્યમંત્રીએ આ મુદ્દે ઘટતું કરવાની હૈયા ધારણ આપી છે. આમ પણ એક સાથે આટલા બધા રોજગાર વિહોણા વેપારીઓની તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી સહેલી નથી. આ માટે સમય પણ જોઈએ. હાલ દાહોદ નગરપાલિકા દ્વારા જુના ભાજપ કાર્યાલય સામે આવેલ સીટી સર્વે નંબર 340 મા અંદાજે રૂપિયા ચાર થી સાડા ચાર કરોડ ના ખર્ચે ભોયરામાં પાર્કિંગની વ્યવસ્થા સાથેનું 14 દુકાનો વાળું શોપિંગ સેન્ટર વર્ષ 2018 માં બનાવવામાં આવ્યું હતું. આ શોપિંગ સેન્ટર ને બન્યાને પાંચ વર્ષ થઈ ગયા તેમ છતાં આ શોપિંગ સેન્ટર કોઈને કોઈ કારણસર છેલ્લા પાંચ વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. આ શોપિંગ સેન્ટર દાહોદ નગરપાલિકાએ પોતાની પાસેનું સ્વભંડોળ ખર્ચીને બનાવ્યું હોવાનું પણ પાલિકાના આંતરિક વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. આ જનતાના ટેક્સના નાણાથી બનેલ આ શોપિંગ સેન્ટર અત્યાર સુધી ધૂળ ખાઈ રહ્યું છે. તેની પાછળનું કારણ શું? આ શોપિંગ સેન્ટર માટે પાલિકાએ વહીવટી, સૈદ્ધાંતિક તેમજ તાંત્રિક મંજૂરી લીધી છે કે નહીં? અને લીધી હોય તો છેલ્લા પાંચ વર્ષથી આ શોપિંગ સેન્ટર શા માટે ધૂળ ખાઈ રહ્યું છે? અને વહીવટી સૈદ્ધાંતિક તેમજ તાંત્રિક મંજૂરી ન મળી હોય તો તેની પાછળનું કારણ શું? આ તમામ બાબતો ના જવાબો આપવાના મામલે પાલિકાના સંલગ્ન વિભાગના અધિકારીઓ આઘા પાછા થતા જોવા મળ્યા હતા અને જવાબો પણ નરોવા કુંજરોવા જેવા આપ્યા હતા. હાલ નગરપાલિકા પાસે આ શોપિંગ સેન્ટર છે તેમાં જો દુકાનો ફાળવવામાં આવે તો કમ સે કમ 14 જેટલા વેપારીઓ તો પોતાના ધંધા રોજગાર શરૂ કરી શકે તેમ છે. આ શોપિંગ સેન્ટર ની દુકાનોની હરાજી કેમ કરવામાં આવતી નથી? તેની પાછળનું કારણ શું? તેવા વેધક પ્રશ્નો જન માનસમાં વાગોળાઈ રહ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીશો પાસે આના સાચા જવાબો છે ખરા????