ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના ટૂટાઘાટીમાં “તે લગ્ન પ્રસંગમાં બાળ લગ્ન સમાજ સુધારણાના કર્મચારીઓને બોલાવ્યા” તેમ કહી 13 નું ટોળું મારક હથિયારો સાથે તૂટી પડ્યું..
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટુટાઘાટી ગામે લગ્ન પ્રસંગમાં બાળ લગ્ન સમાજ સુધારણાના કર્મચારીઓને બોલાવવા મામલે મહિલા સહિત ૧૩ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી ગામમાં રહેતાં એક પરિવાર ઉપર હુમલો કર્યાેં હતો જેમાં એક મહિલા સહિત ત્રણ જણાને હથિયાર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તા.૦૨ જુનના રોજ લીમખેડા તાલુકાના ટુટાઘાટી ગામે રહેતાં સબુરભાઈ પારસીંગભાઈ, રાજેશભાઈ સબુરભાઈ, રાકેશભાઈ સબુરભાઈ, પ્રકાશભાઈ સબુરભાઈ, રોહિતભાઈ કાળીયાભાઈ, કાળીયાભાઈ જેતુભાઈ, અરવિંદભાઈ બાબુભાઈ, સંજયભાઈ બાબુભાઈ, કરણભાઈ નવલાભાઈ, રમેશભાઈ સીનીયાભાઈ, બદીયાભાઈ સીનીયાભાઈ, સુકલીબેન સબુરભાઈ અને સવિતાબેન રાકેશભાઈ તમામ જાતે માવીનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો સાથે લઈ આવી ટુટાઘાટી ગામે ટેકરી ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ બાબુભાઈ તડવીના ઘરે આવી તેમના પરિવારના દિનેશનભાઈને બેફામ ગાળો બોલી કહેલ કે, તું અમારા ઘરનો લગ્ન પ્રસંગ બગાડવા સારૂં બાળ લગ્ન સમાજ સુધારણાના કર્મચારીઓને ફોન કરી બોલાવેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી દિનેશભાઈને, સંજયભાઈને અને સંતીબેનને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધે લક્ષ્મણભાઈ બાબુભાઈ તડવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.