Thursday, 21/11/2024
Dark Mode

ગરકો અને ભાંગડો ઘાસ પશુ માટે જીવલેણ: પશુપાલકોને પશુ ચરાવતી વેળા તકેદારી રાખવા પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરાઈ

ગરકો અને ભાંગડો ઘાસ પશુ માટે જીવલેણ: પશુપાલકોને પશુ ચરાવતી વેળા તકેદારી રાખવા પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરાઈ

જીગ્નેશ બારીઆ/રાજ ભરવાડ @ દાહોદ 

ગરકો અને ભાંગડો પ્રકારનું
ઘાસ પશુ માટે જીવલેણ નીવડે છે
પશુને ચરાવતી વખતે કે ઘાસ ખવડાવતી વેળાએ આ ઘાસ ન આપવાની તકેદારી રાખવા પશુપાલકોને  પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરાઈ. 

દાહોદ તા.15

દાહોદ જિલ્લામાં તાજેતરમાં કોઇ અજ્ઞાત કારણોસરથી થયેલા પશુઓના મોતને પગલે પશુ પાલન વિભાગ દ્વારા મૃતક પશુઓના કરાયેલા પોસ્ટ મોર્ટમ અને તેની આનુષાંગિક તપાસમાં એવું ફલિત થવા પામ્યું છે કે, આ પશુઓના મોત ઝેરીલા ઘાસ ખાવાથી થયા છે. દાહોદ જિલ્લામાં અવાવરૂ વિસ્તારમાં ઉગી નીકળતા ભાંગડો અને ગરકો નામના ઘાસ પશુઓ માટે જીવલેણ નિવડ્યા છે. પશુને ચરાવતી વખતે કે ઘાસ ખવડાવતી વેળાએ આ ઘાસ ન આપવાની તકેદારી રાખવા પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
નાયબ પશુપાલન નિયામક ડો. કમલેશ ગોસાઇએ એક નિવેદનમાં જણાવ્યું કે, થોડા મહિનાઓમાં કોઇ અજ્ઞાત કારણોસરથી ૬૦ વધુ પશુઓના મોત જિલ્લામાં નોંધાયા હતા. જેની તપાસ હાથ ધરવામાં આવતા પશુપાલકોએ એવું જણાવ્યું કે, પશુઓને નાક, આંખ અને મળ વાટે લોહી પડતું હતું અને તે બાદ તુરંત જ તે પશુનું મૃત્યું થતું હતું.
આવા કારણોથી પશુપાલન વિભાગ દ્વારા ગાંધીનગરથી એક ખાસ ટીમ મોકલવામાં આવી હતી અને કેટલાક મૃતક પશુઓનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. વિશેરાઓનું પણ ફોરેન્સીક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એવામાં એવું કારણ જાણવામાં મળ્યું કે, કોઇ ઝેરી ઘાસ ખાવાથી આ પશુઓના મોત થયા હતા.
દાહોદ જિલ્લામાં રાતો ગરકો (બોટનિકલ નામ – Melilotus officinalis) અને ભાંગડો (બોટનિકલ નામ – Parthenium hysterophorus) પાછલા ચોમાસમાં સારા વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં થઇ છે. આ ઘાસ પશુ ખાઇ તો તેને લીવર ઉપર ગંભીર અસર થાય છે. લીવર પર અસર થવાના કારણે રક્તનું વિભાજન થવા લાગે છે. જેથી પશુઓને આંખ, મોં કે મળ વાટે રક્ત પડવા લાગે છે અને તેનું મૃત્યુ થાય છે.
તેમણે પશુપાલકોને અપીલ કરતા જણાવ્યું કે, પશુઓ ગરકો અને ભાંગડો ઘાસ ન ખાય એની તકેદારી રાખે અને પશુઓમાં માંદગી સમયે ઉક્ત લક્ષણો જોવા મળે તો નજીકના પશુ દવાખાનાનો તુરંત સંપર્ક કરવો.

error: Content is protected !!