બાબુ સોલંકી,સુખસર
ફતેપુરા તાલુકાના ઘાણીખુટથી ઝાલોદ તાલુકાના ગરાડુ ગામને જોડતા આઠ કિ.મી ના માર્ગની ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરી.!
આઠ કિ.મી માર્ગ પૈકીઆશરે સાડા ચાર કિ.મી ના રસ્તાની કામગીરી ચાર માસથી પૂર્ણ,જ્યારે સાડા ત્રણ કિલોમીટર જેટલા માર્ગની કામગીરી ટલ્લે ચઢાવાઇ રહી છે.
રસ્તાની કામગીરી પૂર્ણ થાય તો સ્થાનિક પ્રજાને એસટી બસની સુવિધા મળે તથા રાજસ્થાનના કુશલગઢ બાસવાડા જતા વાહન ચાલકોને શોર્ટકટ માર્ગ મળી રહે.
સુખસર,તા.20
ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર ઘાણીખૂટથી ઝાલોદ તાલુકાના ગરાડુ ગામને જોડતો આઠ કિલોમીટરનો માર્ગ બિસ્માર થઈ જતા તેના નવીનીકરણ માટે એક વર્ષ અગાઉ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમા સાડા ચાર કિલોમીટર જેટલા રસ્તાની કામગીરી ગત ચાર માસ અગાઉ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે.જ્યારે સાડા ત્રણ કિલોમીટર જેટલા માર્ગની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચલાવતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર ઘાણીખુટથી ગરાડુ જતો ડામર રસ્તો તૂટી જતા તેના નવીનીકરણ માટે ગત એક વર્ષ અગાઉ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સિંગલ પટ્ટી રસ્તાને દ્વિમાર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો છે.અને તેની કામગીરી ઘાણીખુટથી લઈ કાળીયાના ગોંદરા સુધી આશરે સાડા ચાર કિલોમીટર રસ્તાની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થયે પણ ચાર માસનો સમય વીતી ગયો છે.જ્યારે કાળીયાના ગોંદરાથી ગરાડુ સુધી સાડા ત્રણ કિલોમીટરના રસ્તાની સાઈડ પુરાણનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે.જોકે છેલ્લા એક માસ અગાઉ આ રસ્તાની કામગીરી ચલાવાઇ રહી હતી.પરંતુ હાલમાં આ રસ્તાની નવીનીકરણની કામગીરી બંધ થયેલ જોવા મળે છે. જેના લીધે આ રસ્તા ઉપર થી પસાર થતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.જેથી આ રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ પણ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ઘાણીખુટથી ગરાડુ જતો માર્ગ રાજસ્થાનના બાસવાડા,કુશલગઢને જોડતો શોર્ટકટ રસ્તો છે.અને આ આઠ કિલોમીટરનો રસ્તો સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય તો ગુજરાત થી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત તરફ અવર-જવર કરતા વાહનચાલકોને સરળતા રહે તેમ છે.
નોંધણી આ બાબત છે કે,અગાઉ ઝાલોદ થી ગરાડુ,કાળીયા,નાના-મોટા બોરીદા,સુખસર થઈ સંતરામપુર જતી એસટી બસોની સુવિધા પણ હતી.પરંતુ તેવા સમયે બીસ્માર રસ્તા સહિત રસ્તાની બંને સાઈડોમાં ફૂટી નીકળેલા ગાંડા બાવળના ઝુંડના કારણે આ એસ.ટી ટ્રીપો બંધ કરવામાં આવી હતી. જેથી આ ગામડાના લોકોને વર્ષોથી ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. ત્યારે આ નવીનીકરણ પામેલા દ્વીમાર્ગીય રસ્તાની કામગીરી પૂર્ણ થઈ જાય તો પ્રજાને એસ.ટી બસોની સુવિધા સહિત ભારધારી વાહનોને અવર-જવર કરવામાં ખૂબ જ સરળતા રહે તેમ છે.
ઉપરોક્ત રસ્તા બાબતે લાગતા- વળગતા તંત્રો સત્વરે ધ્યાન આપે અને આ રસ્તાની અધુરી કામગીરી વહેલી તકે પૂરી કરે તેવી સ્થાનિક પ્રજા સહિત વહનચાલકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.