
બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લામાં રાજકીય અગ્રણીઓએ કોરોનાને હરાવવા સહાય આપવાની જાહેરાત તો કરી, પરંતુ તેનો અમલ ક્યારે…!?
રોગચાળા સામે પ્રજાના રક્ષણ માટે દેશ-વિદેશમાંથી સહાય મોકલવામાં આવે છે,અને નેતાઓ મદદ માટે આગળ આવે છે.જ્યારે આરોગ્ય માટે ફાળવવામાં આવેલ બજેટ ક્યાં? સળગતો સવાલ
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૭
દાહોદ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોના કહેર વર્તાઈ રહ્યો છે.જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કોરોનાએ અનેક લોકોનો ભોગ પણ લીધો છે.અને હજી પણ કોરોનાનો કહેર ચાલુ હોવાનું જણાઈ રહ્યું છે.જ્યારે કોરોનાની કહેરનો પ્રજા છુટકારો મેળવે તે હેતુથી દેશ-વિદેશમાંથી સહાય પણ આવે છે. સાથે સ્થાનિક રાજકીય આગેવાનો પણ પ્રજાની સુખાકારી અને આરોગ્ય માટે નાણાં ફાળવવા માટે આગળ આવ્યા છે.પરંતુ તેનો અમલ ક્યારે? તેવા પ્રશ્નો ઉદભવે તે સ્વાભાવિક છે. ત્યારે ફાળવવામાં આવનાર નાણામાંથી સરકારી દવાખાનાઓમાં જે પણ સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે તે સત્વરે થઈ જવી જોઈએ.તેવી જિલ્લાની પ્રજામાં માંગ ઉઠવા પામેલ છે.
દેશ અને દુનિયાની સ્થિતિ જોતા દરેક માનવી ભયભીત છે.જે કામ આતંકવાદ અને વિશ્વયુદ્ધ કરી શક્યા નથી તે કામ એક અદ્રશ્ય વાયરસ કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોનાવાયરસ મોટાભાગે શહેરી વિસ્તારો સુધી જ સીમિત જણાતો હતો. અને કોરોના ની બીજી લહેર આવશે તેવું કોઈ એ અનુમાન કર્યું ન હતું.ત્યારબાદ બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોને પણ ઝપેટમાં લીધા છે.અને અનેક લોકો તેનો ભોગ પણ બન્યા છે. તેમજ આ રોગચાળાથી બચવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવેલ છે.છતાં સરકારની ગાઈડલાઈન નું પાલન કરાવવા પાંગળા પુરવાર થયેલા સ્થાનિક વહીવટી તંત્રો અને પ્રજાની બેદરકારીથી ચાલુ વર્ષે ટૂંકા સમયમાં કોરોનાએ તેની બીજી લહેરમાં અનેક લોકોના ભોગ પણ લીધા છે. અને દેશ-વિદેશમાંથી રોગચાળા સામે રક્ષણ માટે મદદ પણ આપવામાં આવી છે.અને જાણકારોના મતે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે તેવી સંભાવના હોવાનું જણાવ્યું છે.ત્યારે આ રોગચાળાથી બચવા માટે સ્થાનિક રાજકીય નેતાઓએ પણ પ્રજા રોગચાળાનો ભોગ બને નહીં અને રોગચાળા સામે રક્ષણ મળે તે હેતુથી પોતાના બજેટમાંથી નાણાં ફાળવવા જાહેરાત કરવામાં આવેલ છે. જોકે રાજકીય નેતાઓ દ્વારા ફાળવવામાં આવનાર નાણા દ્વારા દર્દી લોકોને સુવિધા ઉપલબ્ધ થવા કેટલો સમય લાગશે તેના માટે અનુમાન લગાવવું અસ્થાને છે.પરંતુ તેનો વહેલી તકે અમલ પણ થવો જરૂરી જણાય છે. નહીં તો આગ લાગે અને કૂવો ખોદવા બેસવું અથવા ઘોડા છુટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાય તેનો કોઈ અર્થ નથી.
વિવિધ જગ્યાએથી મળતી સહાય દ્વારા આરોગ્ય સુવિધા વધારાય છે,તો આરોગ્ય લક્ષી બજેટના નાણાનો ઉપયોગ ક્યારે?
અહીંયા નોંધનીય બાબત છે કે, સરકાર દ્વારા દર વર્ષે કૃષિ,શિક્ષણ અને આરોગ્ય માટે મોટું બજેટ ફાળવવામાં આવે છે.અને રોગચાળા જેવા સમયમાં આરોગ્ય માટે જે પણ બજેટ ફાળવવામાં આવ્યું હોય તેનો ઉપયોગ કરવાનો હોય છે.હાલ દેશ વિદેશ અને સ્થાનિક રાજકીય આગેવાનો સહિત કેટલાક વ્યક્તિગત લોકો રોગચાળા સામે પ્રજાને રક્ષણ મળે તે હેતુથી યથાશક્તિ સહાય કરવા આગળ આવે છે.ત્યારે ફાળવવામાં આવતા બજેટનો ઉપયોગ ક્યારે?તેવા પ્રશ્નો પણ પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે.
રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવતી સહાયના નાણાંથી ઓક્સિજન બોટલ,વેન્ટિલેટર,એક્સ- રે મશીન જેવી સુવિધાઓ વધારવી જોઈએ.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,બિમારી જેવા સમયમાં દર્દી લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી તે સરકાર અને સ્થાનિક સરકારી વહીવટી તંત્રોની ફરજ અને જવાબદારી છે.અને તેના માટે દર વર્ષે બજેટ દ્વારા અઢળક નાણા ફાળવવામાં આવે છે. છતાં દેશનો કોઈ પણ નાગરિક પ્રાથમિક સુવિધાના નામે નાણાં ફાળવે અને તેના દ્વારા પ્રાથમિક સુવિધા વધારાય તેના કરતા જે સુવિધા સ્થાનિક જગ્યાએ ઉપલબ્ધ નથી તેવી ઓક્સિજન બોટલ, વેન્ટિલેટર,એક્સ-રે મશીન જેવી સુવિધા કરવા પાછળ નાણાં વપરાય તો વધુ યોગ્ય ગણાય.જેમ કે હાલ તાલુકા અને જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરકારી દવાખાના ઓ આવેલા છે. જ્યાં પલંગ-ગાદલા જેવી પ્રાથમિક સુવિધાઓ હોય છે.પરંતુ સ્થાનિક લોકોને વધારાની સુવિધા મેળવવા બહાર દવાખાનાઓમાં જવું નહીં પડે તેવી વ્યવસ્થા થવી જોઇએ.જેમ કે હાલમાં અનેક કોરોના ગ્રસ્ત લોકો ઓક્સિજનના બોટલ તથા વેન્ટિલેટરની સુવિધાઓ માટે બહારના દવાખાનાઓમાં સારવાર માટે ગયેલ તેમાંથી મોટાભાગના લોકોને ત્યાં પણ સમયસર સારવાર મેળવવામાં મોટી મુશ્કેલી ઉભી થયેલ હોવાનું જોવા અને જાણવા મળતું હતું.ત્યારે સ્થાનિક જગ્યાએ આવી સુવિધાઓ કરવા પાછળ નાણા ખર્ચ કરવામાં આવે તો વધુ યોગ્ય ગણી શકાય.