બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ વિજય મેળવ્યો*
*બે અપક્ષ સભ્યોના સમર્થનથી ભાજપના ઉમેદવારો ચૂંટાઈ આવતા પંચાયત પર ભાજપે સત્તા કબજે કરી*
સુખસર,તા. ૨૫
આજે યોજાયેલી સત્તાવાર ચૂંટણી પ્રક્રિયાના અંતે ભાજપના અલ્પાબેન પંકજભાઈ ડામોરની ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે સરલાબેન કનુભાઈ પારગી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.
ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર ફતેપુરા તાલુકા પંચાયતમાં કુલ 18 સભ્યો છે.આજની બેઠકમાં 16 સભ્યો હાજર રહ્યા હતા.જ્યારે કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા.
હાજર રહેલા 16 સભ્યોમાંથી ભાજપ પાસે પોતાના 7 ચૂંટાયેલા સભ્યો હતા.સામે પક્ષે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના ગઠબંધનના કુલ 7 સભ્યો હાજર હતા.ચૂંટણીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સભામાં હાજર રહેલા બે અપક્ષ સભ્યોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું.આ બે મતો ભાજપના ખાતામાં પડતાં જ ભાજપનું સંખ્યાબળ 9 થયું જે વિપક્ષી ગઠબંધન સામે સ્પષ્ટ બહુમતી હતી.
કોંગ્રેસના બે સભ્યોની ગેરહાજરી અને અપક્ષોના સાથથી ભાજપે ફતેપુરા પંચાયતની સત્તા મેળવી છે. વિજયની સત્તાવાર જાહેરાત થતાં જ તાલુકા પંચાયત કચેરી બહાર એકઠા થયેલા ભાજપના કાર્યકરોએ વિજેતા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા.
